વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ અમરેલીમાં કોરોના ટેસ્ટીંગ લેબોરેટરી બનાવવા ના.મુખ્યમંત્રીશ્રીને લખ્યો પત્ર
ગાંધીનગર :
વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કારણે હાલમાં સમગ્ર દેશ અને રાજ્યમાં લોકડાઉન 5.0 અમલમાં છે. સરકારે લોકડાઉન 5.0 દરમ્યાન અનલોક-1માં છૂટછાટ આપી છે, પરંતુ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા રાજ્યના તમામ જિલ્લાઓમાં દિવસેને દિવસે ખૂબ જ વધતી જાય છે, જે અત્યંત ચિંતાજનક બાબત છે. અમરેલી જિલ્લામાં અગાઉ એકપણ કેસ નહોતો, હવે જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે અને હાલમાં 46 કેસ નોંધાઈ ચૂક્યા છે.
અમરેલી જિલ્લામાં કોરોના ટેસ્ટીંગ માટેની લેબોરેટરી ઉપલબ્ધ નથી. લેબના અભાવે અમરેલી જિલ્લામાંથી અન્ય જિલ્લામાં સેમ્પલ મોકલવામાં આવે છે, જેનો રિપોર્ટ 28 કલાકથી 48 કલાક બાદ મળે છે. ઘણા કિસ્સાઓમાં રિપોર્ટ આવ્યા પહેલાં જ દર્દીનું મૃત્યુ થઈ ગયું હોય છે. અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં લઈ કોરોના વાયરસના ટેસ્ટીંંગ માટે લેબોરેટરી બનાવવી અત્યંંત જરૂરી છે અને તેના માટે RT-PCR તથા લેબ માટેના અન્ય સાધનો અને જરૂરી ગ્રાન્ટ સત્વરે ફાળવવા જરૂરી છે. આ અંગે અગાઉ પણ રજૂઆત કરવામાં આવેલ છે.
આથી, અમરેલી જિલ્લામાં કોરોના ટેસ્ટીંગ માટે લેબોરેટરી બનાવવા અને RT-PCR તથા લેબ માટેના અન્ય સાધનો અને જરૂરી ગ્રાન્ટ સત્વરે ફાળવવા સંબંધિતને જરૂરી સૂચના આપવા વિનંતી સહ ભલામણ છે.