ભાવનગરમાં ગ્રામ્ય સ્તરે કોરોનાનો કહેર વધ્યો, મહુવા તાલુકામાં ૩ સહીત જીલ્લામાં ૭ કેસ નોંધાયા
ભાવનગર :
ભાવનગરમાં કોરોના કેસની સંખ્યા સતત વધી રહી છે. આજે વધુ 7 કેસ સાથે જિલ્લામાં નોંધાયેલા કુલ કેસની સંખ્યા 207 થઇ છે. આજે ભાવનગર શહેરમાં તિલકનગર અને ગીતા ચોકમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમજ તળાજા શહેર, મહુવા અને ભાવનગરના સનેસ ગામે કેસ નોંધાયા છે.
ભાવનગરના તિલકનગરમાં રહેતા અમરભાઇ બારૈયા ગત ૧૪મીએ ધંધાર્થે કાર લઇને જસદણ ગયા હતા. ત્યાંથી પરત ફર્યા બાદ ૧૬મીએ તાવ જેવું જણાતા જનરલ પ્રેકટીનર તબીબ પાસે દવા લીધી હતી. આમ, છતાં કોઇ ફેર ન પડતા અને કફ વધી જતા સર ટી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેઓના સેમ્પલ લેવાતા પોઝીટીવ રિપોર્ટ આવ્યો છે. ગીતા ચોકમાં રહેતા શરિફાબેન અબ્દુલ કરીમ ૬ જુનના પ્રાઇવેટ કાર દ્રારા અમદાવાદ લગ્ન પ્રસંગમાં ગયા હતા. ત્યાંથી ૮ જુને પરત ફર્યા બાદ માથાનો દુ:ખાવો અને અન્ય ફરિયાદો રહેતા સર ટી. હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યાં તેના લેવાયેલ સેમ્પલ પોઝીટીવ આવેલ છે.
જ્યારે જિલ્લામાં તળાજા શહેરમાં વાડી વિસ્તારમાં રહેતા કમલેશભાઇ હડીયા નામનો યુવાનનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે તેઓ લાંબા સમયથી સુરત જ રહે છે અને ૧૯મીએ પત્નિ અને પોતાના બે બાળકો સાથે તળાજા આવ્યા હતા. લક્ષણો જણાતા કળસાર સદભાવના હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ૨૨મીએ સર ટી. હોસ્પિટલમાં દાખલ કરાયા હતા ત્યાં તેઓના લેવાયેલ સેમ્પલ પોઝીટીવ આવ્યા છે.
જ્યારે મહુવા તાલુકાનાં બાંભણીયા ગામે રહેતો નિલેશ હડીયા નામનો ૩૫ વર્ષનો યુવાન પણ પોતાના પત્નિ અને બાળક સાથે ૧૯મીએ સુરતથી બસ દ્રારા અહીં આવ્યો હતો. તેઓને અશકિત જણાતા સ્થાનિક તબીબની પ્રાથમિક દવા લીધી હતી આખરે સુધારો ન થતા સર ટી. હોસ્પિટલમાં આઉટડોર પેશન્ટ તરીકે સેમ્પલ લેવાયેલ હતું તેનો રિપોર્ટ પણ ૨૨મીએ મોડી રાત્રે પોઝીટીવ આવ્યો છે. તેમજ મહુવા તાલુકાના બોરડી ગામના દુલાભાઈ જોધાભાઈ બલદાણીયા ઉ.52 અને તેમના પત્નિ લાભુબેન ઉ.48 ના રિપોર્ટ પોઝિટિવ આવતા ભાવનગર ખસેડયા હતા. તેઓ હિરાના કારખાના માથી સંક્રમીત થયા હતા.
જ્યારે ભાવનગર નજીકના સનેસ ગામે રહેતા ૬૫ વર્ષનાં ધીરૂભાઇ મેરનો રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે. આમ, ભાવનગર જિલ્લામાં 5 અને શહેરમાં 2 મળી કુલ 7 નવા કેસ આજે બપોરે 1.00 સુધીમાં નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે ભાવનગર જિલ્લાનું એક પણ તાલુકો હવે કોરોનાથી બાકાત રહ્યો નથી. ખાસ કરીને મહુવા અને તળાજામાં સતત કેસ વધી રહ્યા છે. શરૂઆતમાં સિહોર અને પાલિતાણામાં કેસ નોંધાયા હતા જો કે ત્યાં હાલ સ્થિતિ કાબુમાં છે. નાના ગામડાઓમાં જોવા મળતા કેસ આગામી દિવસોમાં વધુ ચિંતા ઉભી કરી શકે છે.