વાર્ષિક ક્રેડિટ પ્લાન – ૨૦૨૦-૨૧ ની પુસ્તિકાનું ગાંધીનગર કલેકટરશ્રીના હસ્તે વિમોચન કરાયું
ગાંધીનગર :
ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી કુલદીપ આર્યના અઘ્યક્ષ સ્થાને તાજેતરમાં વાર્ષિક ક્રેડિટ પ્લાન – ૨૦૨૦-૨૧ ની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ગાંધીનગર જિલ્લાની વાર્ષિક ક્રેડિટ પ્લાન – ૨૦૨૦-૨૧ પુસ્તિકાનું વિમોચન કલેકટરશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ બેઠકના આરંભે એલ.ડી.એમ, ગાંધીનગર શ્રી પ્રકાશ વિજયવર્ગીય દ્વારા સર્વે સભ્યોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે કલેકટરશ્રીને માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લાની વાર્ષિક ક્રેડિટ યોજના અંતર્ગત વર્ષ- ૨૦૨૦- ૨૧ માટે કુલ- રૂપિયા ૪,૧૪૩ કરોડના ધિરાણનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જેમાં રૂપિયા ૨૪૨૮ કરોડ કૃષિ અને કૃષિ સંબંધિત ક્ષેત્ર, રૂપિયા ૭૫૮ કરોડ ઉધોગ – ગ્રામિણ વિકાસ ક્ષેત્ર માટે અને રૂપિયા ૯૫૭ કરોડ કૃષિ ક્ષેત્ર સિવાયના ક્ષેત્ર માટે ફાળવણી કરવામાં આવી છે.
આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના શ્રી એચ.ટી.યાદવ, નાબાર્ડના ડી.ડી.એમ. શ્રી નિરજસિંહ, બેંક ઓફ બરોડાના ડી.આર.એમ શ્રી બલદેવ પટેલ, જિલ્લા કૃષિ અભિકારી શ્રી ડી.પી.જાદવ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.