રાહતદરના પ્લોટમાં વેચાણ દસ્તાવેજ કરી આપવા હુકમ
ગાંધીનગરમાં હાલ રાહતદરના પ્લોટોની વેચાણ પરવાનગી મળતી નથી ત્યારે સે-ર૬માં રાહતદરના પ્લોટનું ૧૯૯૬માં સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરી વેચાણ થયું હતું. જો કે પ્લોટના વારસદારોએ તેનો વેચાણ દસ્તાવેજ કરી આપવાનો ઈન્કાર કરતાં મામલો કોર્ટમાં પહોંચ્યો હતો અને કોર્ટે આ પ્લોટનો વેચાણ દસ્તાવેજ કરી આપવા હુકમ કર્યો છે.
મળતી વિગતો પ્રમાણે શહેરના સે-ર૬માં પ્લોટ નં.ર૮૦/ર અસરગ્રસ્ત ખેડૂતને ફાળવવામાં આવ્યો હતો. આ પ્લોટ ૧૯૯૭માં કિશોરભાઈ ગીરધરભાઈ પટેલે સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરી સવા લાખ રૃપિયામાં લીધો હતો. ત્યારબાદ તેમણે બે માળનું મકાન પણ બનાવ્યું હતું.
સરકારે તેનું ભોગવટા પ્રમાણપત્ર પણ આપ્યું હતું. ત્યારબાદ પ્લોટના માલિક નારણભાઈ અંબાલાલ પ્રજાપતિને તેનો દસ્તાવેજ કરી આપવા કહયું હતું પરંતુ દસ્તાવેજ કરી આપવા ઈન્કાર કર્યો હતો. તેથી કિશોરભાઈએ આ બાબતે વર્ષ ર૦૧૨માં ગાંધીનગર કોર્ટમાં રેવન્યુ દાવો દાખલ કર્યો હતો. જે પાંચમા એડી.જજશ્રી એસ.કે.વ્યાસની કોર્ટમાં ચાલ્યો હતો.
જેમાં કિશોરભાઈના વકીલ કે.એ.પ્રજાપતિએ દલિલો કરી હતી અને કોર્ટે આ મામલે હુકમ આપ્યો હતો કે આ પ્લોટનો વેચાણ દસ્તાવેજ કિશોરભાઈના નામે કરી આપવો. સરકારશ્રીમાંથી મેળવવાની તમામ મંજુરીઓ નારણભાઈ અને તેમના કુટુંબીજનોએ કરી આપવાની રહેશે. સરકારમાં ભરવાની થતી રકમ પણ કીશોરભાઈએ ભરવાની રહેશે. જેમાં વેચાણ દસ્તાવેજ પણ કરી આપવો જેનો ખર્ચ કિશોરભાઈએ ભોગવવાનો રહેશે.