ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર 22મી ફેબ્રુઆરીથી,રૂપાણી સરકારનું પ્રથમ બજેટ
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બજેટસત્રનું એલાન થઇ ચૂક્યું છે. રાજ્યના વિધાનસભાના બજેટસત્રની શરૂઆત 20 ફેબ્રુઆરીથી થશે, ત્યાર બાદ 21 ફેબ્રુઆરીના રોજ રાજ્યના નાણાપ્રધાન નીતિન પટેલ ગૃહમાં બજેટ રજૂ કરશે. વર્ષ 2017ના બજેટમાં રાજ્યલક્ષી વિકાસને વેગ મળે તેમજ લોકોને રાહત મળી રહે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. નીતિન પટેલ પહેલા આનંદીબેન પટેલની સરકાર વખતે સૌરભ પટેલે ગત વર્ષે બજેટ રજૂ કર્યુ હતુ. વિધાનસભા ચૂંટણી પહેલાનું બજેટ પ્રજાલક્ષી બની રહેવાની આશા સેવાઇ રહી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરકારનું આ પ્રથમ બજેટ બની રહેશે.
કેન્દ્ર સરકારે બજેટ અંગે બહાર પાડેલી ગાઇડલાઇનનો પણ પ્રથમવાર અમલ કરાશે. 21મી ફેબ્રુઆરીએ નાણા મંત્રી તરીકે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ બજેટ રજૂ કરશે. ચૂંટણીનું વર્ષ હોવાથી રાજ્ય સરકારે શહેરી વિસ્તારોની સાથે ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે પણ અનેક નવી યોજનાઓ તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વર્ષ 2016-17ના બજેટનું કદ 1,51,800 કરોડનું હતું જેમાં વધારા સાથે વર્ષ 2017-18માં 1,70,000 કરોડનું કદ થવાની શક્યતા છે.