પાટનગરમાં રસ્તાઓની સફાઈ કર્યા વિના જ એજન્સીનું અંદાજે 30 લાખથી વધુનું બિલ પાસ પણ થઈ ગયું !
ગાંધીનગર :
ગાંધીનગર મહાનગરપાલિકામાં સ્થાયી સમિતિ અને કમિશનર વચ્ચેનો ગજગ્રાહ દિવસેને દિવસે વધી રહ્યો છે. ભરતી અને એક એજન્સીના ખોટી રીતે પાસ થઈ ગયેલા બીલ મુદ્દે સ્થાયી સમિતિ દ્વારા પેટા સમિતિ બનાવાઈ છે. જેમાં રસ્તાની સફાઈ કરતી એજન્સીના 32 લાખના બીલનો મુદ્દે પેટા સમિતિ દ્વારા તપાસ ચાલી રહી છે.
એજન્સી દ્વારા ગત વર્ષે ચોમાસા દરમિયાન રસ્તાઓની સફાઈનું બીલ મુકાયું હતું. અંદાજે 30 લાખથી વધુનું આ બીલ પાસ પણ થઈ ગયું હતું. તેની ચુકવણી પણ થઈ ગઈ હતી. જોકે પછીથી ધ્યાને આવ્યું હતું કે, એજન્સીએ જે દિવસોમાં બીલ મુક્યું હતું જેમાંથી 10થી વધુ દિવસો તો એવા છે જ્યારે વરસાદ પડ્યો હોય અને પાણી ભરાઈ રહ્યાં હોય. ત્યારે સ્થાયી સમિતિની મંજૂરી વગર બીલ પાસ કરવા મુદ્દે નિમાયેલી પેટા સમિતિની બેઠક મંગળવારે મળી હતી. આ બેઠકમાં કમિશનરને કે કોઈ કર્મચારી હાજર ન રહ્યાં હતા. ભરતી પ્રક્રિયામાં ગોટાળા મુદ્દે બનેલી પેટા સમિતિની બેઠકમાં પણ કોઈ હાજર ન રહેતાં સભ્યો રોષે ભરાયા હતા. જેથી તેઓએ આ મુદ્દે કમિશનર પાસે પહોંચ્યા હતા પરંતુ તેઓ મળ્યા ન હતા. જેથી સમિતિના સભ્યો સીધા સ્વર્ણિમ સંકૂલમાં પ્રભારી મંત્રીને રજૂઆત કરી હતી. હવે જોવાનું એ રહે છે મનપા સ્થાયી સમિતિ અને કમિશનર વચ્ચેનો આ ગજગ્રાહ કેટલે દૂર પહોંચે છે.