ICMR દ્વારા 8 લેબોરેટરીને એક મહિના પહેલાં મંજુરી અપાઈ પરંતુ ટેસ્ટ ઓછા થાય તેવું ઈચ્છતી રાજ્ય સરકારે મંજુરી અટકાવી
અમદાવાદ :
કોરોનાના સંક્રમણને રોકવા માટેના જુદાં જુદાં પગલાઓમાં સૌથી મહત્ત્વનું છે, એગ્રેસીવ ટેસ્ટીંગ, દિલ્હીમાં 1 કરોડ અને 90 લાખની વસ્તી સામે કેન્દ્ર સરકારની સૂચના અનુસાર રોજના 20,000 ટેસ્ટનો ઉપક્રમ છે. જ્યારે ગુજરાતમાં 6.5 કરોડથી વસ્તી સામે 5000 જેટલા જ ટેસ્ટ થાય છે. ખરેખર દિલ્હીના ધોરણ અનુસાર તો 60,000 થવા જોઇએ. ટેસ્ટ વધુ ના થાય તે માટે આઠ લેબોરેટરીની મંજુરીની બાબતે હાઈકોર્ટમાં બાંયેધરી અપાયા બાદ પણ સ્થિતિ ઠેરની ઠેર હોવાનું જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના કેસોની સંખ્યાની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર, દિલ્હી, તામિલનાડુ બાદ ચોથો ક્રમ ગુજરાતનો ચાલે છે. જ્યારે મૃત્યુદર ગુજરાતમાં સૌથી ઉંચો છે. લોકોના લક્ષણો દેખાયા બાદ વિલંબથી ટેસ્ટીંગ થતા હોવાથી અને ત્યારબાદ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થવામાં સારો એવો સમય જતો રહેતો હોવાથી મૃત્યુનું પ્રમાણ વધુ હોવાનું કહેવાય છે.
જો આક્રમક ટેસ્ટીંગ થાય અને પોઝીટિવ વ્યક્તિ જલ્દી ઓળખાય જાય તો તે વધુ વ્યક્તિઓને ચેપ પણ ના લગાડે. પરંતુ ગુજરાતમાં કદાચ ઓછા કેસ દેખાડવાની માનસિકતાના કારણે ટેસ્ટ ઓછાં થતા હોવાનું જણાય છે.
મહારાષ્ટ્રમાં 10 લાખની વસ્તીએ 7588, દિલ્હીમાં 25155, સૌથી વધુ તામિલનાડુમાં 14234 ટેસ્ટ થાય છે. જ્યારે ગુજરાતમાં 10 લાખે માત્ર 5348 ટેસ્ટ જ થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 3.63 લાખથી વધુ ટેસ્ટ થયા છે, જેમાંથી સૌથી વધુ અમદાવાદમાં 1.31 લાખથી વધુ ટેસ્ટ થયો છે.
ઉપરાંત દિલ્હીથી હમણા જ આવેલી કેન્દ્ર સરકારના હેલ્થ ખાતાના સંયુક્ત સચીવ ડો. લવ અગ્રવાલની ટીમ પણ ટેસ્ટીંગના ઓછા આંકડાથી નાખૂશ હતી. એ સમયે એ બાબત પણ સપાટી ઉપર આવી હતી કે કેન્દ્રની આઈસીએમઆર દ્વારા 8 લેબોરેટરીને એક મહિના પહેલાં મંજુરી અપાઈ ગઈ છે.
પરંતુ રાજ્ય સરકારના હેલ્થ ખાતા પાસે આ બાબત પડતર પડી છે. ત્યાંની મંજુરી ના હોવાથી આ લેબ હજુ ટેસ્ટ કરી શક્તી નથી, જે ઉભી કરવા જે તે સંસ્થાઓ મોટી રકમનો ખર્ચ કર્યો હતો. મોટાભાગની તો સરકારી કે અર્ધસરકારી છે. આવું શા માટે થઇ રહ્યું છે, તે સમજી ના શકાય તેવું છે. શું સરકાર ઓછા ટેસ્ટ થાય તેવું ઇચ્છી રહી છે, તેવો ગંભીર પ્રશ્ન ઉભો થાય છે.
કઇ આઠ લેબોરેટરીની મંજુરી હજુ અધ્ધરતાલ ?
(1) જીસીએસ મેડિકલ કોલેજ, અમદાવાદ
(2) એએમસીમેટ મેડિકલ કોલેજ, અમદાવાદ
(3) ધીરજ હોસ્પિટલ, વડોદરા
(4) પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ, વડોદરા
(5) ગુજરાત પેથોલોજીલેબ એન્ડ ડાયોગનેટિક સેન્ટર, અમદાવાદ
(6) સ્ટર્લિંગ એક્યુરેઝ ડાયોગ્નેટિક, વડોદરા
(7) માઈક્રો કેર લેબ એન્ડ ટીઆરસી, સુરત
(8) જીએમઇઆરએસ મેડિકલ કોલેજ, વડનગર