ગાંધીનગર : કોર્પોરેશનના નવા વિસ્તારોમાં સ્માર્ટ સિટી હેઠળ 67 કરોડ ખર્ચાશે
ગાંધીનગર :
ગાંધીનગર મનપામાં સમાવાયેલા નવા વિસ્તારોમાં પણ તાત્કાલિક ધોરણે સ્માર્ટસિટીની કામગીરી શરૂ કરવાનો નિર્ણય મેયરે લીધો છે. આઈટી પ્રોજેક્ટ માટે નવા વિસ્તારોમાં 67 કરોડના ખર્ચે જીઆઈએસ, ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ, સીસીટીવી સર્વેલન્સ, સ્માર્ટ પોલ જેવી સુવિધાઓ ઉભી કરાશે. રાજ્યના પાટનગર ગાંધીનગરનો સ્માર્ટ સિટીમાં સમાવેશ થાય છે. જે અંતર્ગત કોર્પોરેશન વિસ્તારમાં 1400 કરોડથી વધુના વિકાસના કામો તબક્કાવાર હાથ ધરાવાના છે.
શહેરમાં સ્માર્ટસિટી હેઠળ ઘણા કામો શરૂ પણ થઈ ગયા છે. ત્યારે હવે કોર્પોરેશનનું હદ વિસ્તરણ થતાં 18 ગ્રામ પંચાયત, પેથાપુર નગરપાલિકા અને સાત ગામના સર્વે નંબરોનો કોર્પોરેશનમાં સમાવેશ થઈ ગયો છે. ત્યારે નવા વિસ્તારોને પણ સ્માર્ટસિટી પ્રોજેક્ટનો લાભ વહેલી તકે મળે તે માટે મેયરે નિર્ણય લીધો છે. સ્માર્ટસિટી હેઠળ આઈટી પ્રોજેક્ટ માટે કરાયેલી 177 કરોડની જોગવાઈ કરાઈ છે. જેમાંથી કોર્પોરેશનના જુના વિસ્તારમાં આઈટી પ્રોજેક્ટની કામગીરી માટે 110 કરોડના ખર્ચનો અંદાજ છે. ત્યારે બાકી રહેલાં 67 કરોડમાંથી નવા સમાવાયેલા વિસ્તારોમાં કામગીરી થશે. આ અંગે મેયર રીટાબેન કેતનકુમાર પટેલે કહ્યું હતું કે, 67 કરોડ જેટલી રકમમાંથી નવા વિસ્તારમાંથી તાત્કાલિક ધોરણે જીઓગ્રાફીક ઈન્ફર્મેશન સિસ્ટમ, પ્રોપર્ટી ટેક્સ સર્વે, સ્માર્ટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, એડોપ્ટીવ ટ્રાફિક મેનેજમેન્ટ, સર્વેલન્સ કેમેરા, વીએમડી બોર્ડ, સ્માર્ટપોલ જેવી કામગીરી શરૂ કરવામાં આવશે. આ માટે કોર્પોરેશન તંત્ર દ્વારા કામગીરી પણ હાથધરી દેવામાં આવી છે.