ગાંધીનગરગુજરાત

ગાંધીનગર IITમાં Ph.dની વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ કર્યો આપઘાત

ગાંધીનગર :
ગાંધીનગર શહેર નજીક આવેલા પાલજ ખાતે આઈઆઈટી ગાંધીનગરમાં પીએચડીનો અભ્યાસ કરતી મુળ પશ્ચિમ બંગાળની 33 વર્ષીય વિદ્યાર્થીનીએ તેના રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. ગત સોમવાર આ ઘટના પ્રકાશમાં આવી હતી જેના પગલે ચિલોડા પોલીસે સ્થળ ઉપર પહોંચી અકસ્માતે મોતનો ગુનો નોંધીને પેનલ ડોકટર મારફતે તેણીનું પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ શરૂ કરી હતી.
પાલજ ગામમાં આવેલી આઈઆઈટી ગાંધીનગરમાં સમગ્ર દેશમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતાં હોય છે ત્યારે અહીં પીએચડીના અભ્યાસ માટે પશ્ચિમ બંગાળની 33 વર્ષીય યુવતિ પિયુ ઘોષ પણ આવી હતી. લોકડાઉનના સમયમાં તે ઘરે પરત ફરી હતી અને ત્યારબાદ ગાંધીનગર આઈઆઈટીમાં આવતાં તેણે અલગ કવોરેન્ટાઈન કરવામાં આવી હતી. ગત સોમવારના રોજ તેનો મૃતદેહ તેના રૂમમાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો. જો કે આ યુવતિએ 3 જુલાઈના રોજ આપઘાત કર્યો હોવાનું માનવામાં આવી રહયું છે. કેમ કે આ દીવસથી તેણે ફોન રીસીવ કર્યા નહોતા. ઘટનાની જાણ થતાં ચિલોડા પોલીસને આઈઆઈટી દ્વારા જાણ કરવામાં આવતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને અકસ્માતે મોતનો ગુનો નોંધીને તેણીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. તેની પાસેથી એક અંગ્રેજીમાં લખેલી ચિઠ્ઠી પણ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે હું દુનિયાને અલવિદા કરૂ છું. મારૂ બોડી ડોનેટ કરી દેજો. લેબોરેટરીનો સામાન લેબોરેટરીમાં અને પૂજાનો સામાન કોલેજના પૂજાઘરમાં આપી દેજો. પોલીસે આ ચિઠ્ઠીને પણ તપાસ અર્થે એફએસએલમાં મોકલવા માટેની તજવીજ શરૂ કરી છે. તો પેનલ તબીબો મારફતે તેણીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. તપાસ અધિકારી પીએસઆઈ એમ. એન. બારીયા એ કહયું હતું કે વિદ્યાર્થિનીના માતા પિતાનું નિવેદન લેવામાં આવ્યું છે. તેમને પણ આપઘાત અંગે કોઈ જાણકારી નહીં હોવાનું જણાવ્યું હતું. ત્યારે આ વિદ્યાર્થીનીએ કરેલા અચાનક આપઘાતથી અન્ય વિદ્યાર્થીઓમાં પણ શોકનું વાતાવરણ છે અને તેણીએ કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે જાણવા માટે પણ વિદ્યાર્થીઓ સોશ્યલ મીડીયા ઉપર કેમ્પેઈન ચલાવી રહયા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x