ગુજરાત

આરોગ્ય વિષયક સુવિધાઓ સત્વરે પૂરી પાડો અન્યથા અચોક્કસ મુદ્દતનું આંદોલન કરીશું : પરેશ ધાનાણીએ લખ્યો પત્ર

ગાંધીનગર :

કોરોના વાયરસનો ફેલાવો સમગ્ર દેશ અને રાજ્યમાં ખૂબ જ ઝડપથી થઈ રહેલ છે. રાજ્યોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન ખૂબ જ વધતી જાય છે. તા. 10-7-2020ના અહેવાલ મુજબ સમગ્ર દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 8.05 લાખ અને ગુજરાતમાં કુલ કેસનો આંકડો 40,155 પહોંચ્યો છે. કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિઓ રાજ્યમાં મોટા પ્રમાણમાં હોવાની શક્યતા છે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સમગ્ર દેશમાં તા. 24-3-2020થી લોકડાઉન અમલમાં છે. લોકડાઉન 1.0થી શરૂ કરી હાલ લોકડાઉન 5.0 અમલમાં છે. લોકડાઉન બાદ અનલોક-1 અને અનલોક-2 પણ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં કોરોનાના દર્દીઓની સંખ્યા મોટા પ્રમાણમાં સામે આવી રહી છે.
દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરત જિલ્લામાંથી કોરોના વાયરસના કારણે લોકડાઉનના હિસાબે ધંધા-રોજગાર બંધ થતા ડાયમંડ અને ટેક્સટાઈલના વેપાર સાથે સંકળાયેલા લોકો/શ્રમિકો સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને અમરેલી જિલ્લામાં આવતા હતા. કોરોનાનું સંક્રમણ રાજ્યમાં ખૂબ જ વધી રહેલ છે અને તેમાં પણ સુરત નવું હોટસ્પોટ બન્યુ છે. સુરતમાં કોરોનાના કારણે લગભગ તમામ હોસ્પિટલો ફુલ થઈ જવાથી લોકો/શ્રમિકોની સાથે કોરોનાના દર્દીઓ પણ અમરેલી જિલ્લામાં આવી રહેલ છે, જેના કારણે અમરેલીમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ વધી ગયું છે. અમરેલી જિલ્લામાં હાલ કોરોનાના ટેસ્ટીંગ માટે લેબોરેટરીની સુવિધા ઉપલબ્ધ નથી. જેથી સુરતથી અમરેલી જિલ્લામાં આવતા શંકાસ્પદ લોકોના સેમ્પલ લઈ ચકાસણી માટે ભાવનગર ખાતે મોકલવામાં આવે છે, જેનો રિપોર્ટ 48 કલાક બાદ આવે છે. આ શંકાસ્પદ લોકોને રિપોર્ટ ન આવે ત્યાં સુધી કોરોના વોર્ડમાં રાખવામાં આવે છે, જેથી શંકાસ્પ‍દ વ્યક્તિઓનો રિપોર્ટ નેગેટીવ આવે તો પણ તેઓ કોરોના સંક્રમિત વ્યક્તિ સાથે રહેલ હોઈ તેઓને પણ કોરોનાનો ચેપ લાગે છે. આમ, અમરેલી જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે.
કોરોના વાયરસનું સંક્રમણ નાથવા રાજ્યનું આરોગ્ય તંત્ર સદંતર નિષ્ફળ નીવડેલ છે. આ બાબતે અમોએ સમયાંતરે વારંવાર સરકારનું લેખિતમાં પત્રોથી ધ્યાન દોરેલ છે, છતાં સરકારશ્રીએ અમારા પત્રો પ્રત્યે દુર્લક્ષ સેવી કોઈ કાર્યવાહી કરેલ નથી, જેના કારણે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ બેકાબુ બની ગયેલ છે.
શ્રી ધાનાણીએ લોકડાઉન બાદ તુરત જ એટલે કે તા. 26-3-2020ના પત્રથી અમરેલી ખાતેની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો ખૂબ જ હોવાથી કોરોનાથી દર્દીઓને બચાવવા માટે તુરંત 100 બેડનો આઈસોલેટેડ વોર્ડ બનાવવા, આઈ.સી.યુ. વોર્ડમાં સેન્ટ્રલ ઓક્સીજન સપ્લાય વેન્ટીલેટર, ડીફીબીલેટર, આઈ.સી.યુ. પલંગ, મલ્ટીપલ મોનીટર જેવી અદ્યતન સુવિધા સાથે વોર્ડ તૈયાર કરાવવા જણાવેલ હતું, છતાં આ અંગે સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નહીં.
તા. 29-3-2020ના પત્રથી રાજ્યની તમામ સિવિલ હોસ્પિતલોમાં વેન્ટીલેટરની સુવિધા સાથે 1000 બેડવાળા સ્પેશ્યલ આઈસોલેટેડ વોર્ડ ઉભા કરવા, દરેક સિવિલ હોસ્પિટલની લેબોરેટરીમાં કોરોના વાયરસના ટેસ્ટીંગની સુવિધા ઉભી કરવી, આરોગ્ય વિષયક સેવા સાથે સંકળાયેલ તમામ ડોક્ટનર્સ/પેરામેડીકલ સ્ટારને પૂરતા પ્રમાણમાં પીપીઈ કીટ ઉપલબ્ધથ કરાવવા, 108 એમ્યુલન્સ માં કોરોના ટેસ્ટીં્ગની કીટ મુકી સ્ટા‍ફને ટ્રેઈન કરવા જણાવેલ હતું, છતાં આ અંગે સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નહીં.
તા. 7-4-2020ના રોજ રાજ્યના માન. રાજ્યપાલશ્રીને અમો તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીની આગેવાનીમાં રૂબરૂ મળી આવેદનપત્ર સુપ્રત કરેલ અને કોરોના મહામારી સમયે જનહિતમાં પગલાં લેવા વિવિધ સૂચનો કરેલ.
મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન, અમરેલી દ્વારા તેઓના તા. 18-4-2020ના પત્રથી કોરોના સંક્રમણને નિયંત્રણમાં લેવા અમરેલી જિલ્લામાં 100 બેડની કોવિડ-19 માટેની જિલ્લા હોસ્પિટલ બનાવવા માટે આવશ્યક સાધનો ફાળવવા 19 પ્રકારના સાધનોનું લિસ્ટ અધિક નિયામકશ્રી, તબીબી સેવાઓ (ત.વિ.), ગાંધીનગરને મોકલવામાં આવેલ, પરંતુ સરકાર દ્વારા અમરેલી જિલ્લા પ્રત્યે ઓરમાયું વર્તન દાખવી આ સાધનો પૈકી ફક્ત 15 વેન્ટીલેટર જ ફાળવવામાં આવેલ.
શ્રી ધાનાણીએ વધુમાં જણાવ્યું કે અમોએ પણ અમારા તા. 1-5-2020ના પત્રથી જનરલ હોસ્પિટલ, અમરેલી ખાતે કોવિડ-19 માટેની જિલ્લા હોસ્પિટલ બનાવવા સારૂ આવશ્યક સાધનો તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા માંગણી કરેલ, તેમ છતાં સરકાર દ્વારા કોઈ સાધનની ફાળવણી કરવામાં આવેલ નથી.
તા. 4-5-2020ના પત્રથી રાજ્યમાં કોરોના વાયરસના ટેસ્ટીંગ માટે ખાનગી પેથોલોજી લેબોરેટરીને મંજૂરી આપવા માંગણી કરેલ, પરંતુ અમરેલી જિલ્લાની એકપણ ખાનગી પેથોલોજીને કોરોના ટેસ્ટ માટે મંજૂરી આપવામાં આવેલ નથી.
અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં લઈ અમરેલી ખાતે કોરોના વાયરસના ટેસ્ટીં્ગ માટે લેબોરેટરી બનાવવા અને તેના માટે RT-PCR તથા લેબ માટેના અન્ય સાધનો અને જરૂરી ગ્રાન્ટ ફાળવવા મેં મારા તા. 23-6-2020ના પત્રથી આપશ્રીને વિનંતી કરેલ હતી, છતાં આજદિન સુધી આ અંગે કોઈ કાર્યવાહી થયેલ નથી.
અમરેલી જિલ્લા માટે સરકારે આરોગ્ય ક્ષેત્રે કોઈપણ ઠોસ કદમ ઉઠાવેલ નથી, જેના કારણે નીચેની વિગતે અમારી માંગણીઓ છે :
(1) અમરેલી ખાતે કોરોના ટેસ્ટીંગ માટે RT-PCR તથા અન્ય સાધનો સહિત આધુનિક લેબ ઉભી કરવામાં આવે.
(2) અમરેલીમાં કોરોના દર્દીઓની વધતી જતી સંખ્યાને ધ્યાને લઈ કોરોના ચકાસણીનો દર વધારવામાં આવે.
(3) અમરેલી, સાવરકુંડલા, રાજુલા ખાતે વધારાની 500 બેડ સાથેની આઈસોલેટેડ, વેન્ટીલેટરની સુવિધા સાથેની કોવિડ-19 હોસ્પિટલ ઉભી કરવામાં આવે.
કોરોનાની મહામારીના કપરા કાળમાં લોકડાઉનના સમયથી વિવિધ પત્રોથી અમરેલી જિલ્લાને આરોગ્ય વિષયક સુવિધાઓ આપવા માટે કરેલ વ્યાજબી માંગણીઓ પુરી નહીં કરી રાજ્ય સરકાર ઈરાદાપૂર્વક અમરેલી જિલ્લા સાથે ઓરમાયું વર્તન રાખી રહી છે. અમારી ઉક્તં માંગણીઓનો ત્વરિત સ્વીકાર થાય તે માટે ચુંટેલી સરકારને જગાડવા માટે આવતીકાલ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં અમો પ્રતીક ધરણાં કરીશું અને જો આ અંગે સરકાર ત્વરિત સકારાત્મક નિર્ણય નહીં કરે તો આવતા દિવસોમાં ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનને વધુ આક્રમક રીતે આગળ ધપાવશું અને તેનાથી ઉભી થનાર પરિસ્થિતિ અંગે સુતેલી સરકાર જવાબદાર બનશે, જેની ગંભીર નોંધ લેવા ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા શ્રી પરેશભાઈ ધાનાણી એ રાજ્યના આરોગ્ય ખાતાનો હવાલો સંભાળતા અનેેેે નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઈ પટેલને પત્ર લખી વિનંતી કરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x