ગાંધીનગરની તમામ હોસ્પિટલમા ફાયર સેફટી અંગે તપાસ કરવા મેયરે લખ્યો પત્ર
ગાંધીનગર :
રાજ્યમાં એક તરફ કોરોના મહામારીએ માઝા મુકી છે ત્યારે બીજી તરફ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ-19 ડેઝિગ્નેટેડ શ્રેય હોસ્પિટલમાં ગત મોડી રાતે અચાનક આગ ફાટી નીકળવાની ઘટના બની છે. જો કે, આ ઘટનામાં 8 લોકોના સળગી જવાથી મોત નીપજ્યા છે. અચાનક ફાટી નીકળેલી આગને પગલે દોડધામ મચી જવા પામી હતી. આ સાથે જ એવું પણ મનાય છે કે, આ આગ શોર્ટસર્કિટને કારણે લાગી હતી. જોકે ફાયર વિભાગ આ અંગે તપાસ કરી રહ્યું છે. આ હોસ્પિટલને ફાયરનું એનઓસી મળ્યું હતું કે કેમ તે પણ તપાસનો વિષય છે.
ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી તમામ હોસ્પિટલ ક્લિનિક અને જરૂરી સ્થળો પર ફાયર સેફટી સંબંધમાં તાત્કાલિક ધોરણે આજથી જ તપાસ હાથ ધરવા મહાનગરપાલિકાના ફાયર ઓફિસર ને સુચના આપવા મેયર શ્રીમતી રીટાબેન પટેલ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે.