ગાંધીનગરગુજરાત

ગુજરાતમાં તમામ જગ્યાએ ચેક થશે ફાયર સેફ્ટી, શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ બાદ મુખ્યમંત્રીએ કર્યો નિર્ણય

ગાંધીનગર :

અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં ગુરુવારે વહેલી સવારે થયેલા અગ્નિકાંડમાં 8 લોકો પોતાના બેડ પર જીવતા ભડથું થઈ ગયા હતા. ત્યારબાદ ભારે હોબાળો બાદ ફાયર વિભાગના અધિકારીઓ અને સરકારી તંત્ર જાગી ગયું હતું. આ ઘટના બાદ શહેરની તમામ ખાનગી અને સહકારી હોસ્પિટલોમાં ફાયર એનઓસી મુદ્દે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. હવે આ મામલે શહેરી વિકાસ વિભાગને CM રૂપાણીએ તાત્કાલિક ધોરણે તપાસ કરવાના આદેશ આપ્યા છે. જેમાં ગુજરાતની તમામ હોસ્પિટલો, કોમર્શિયલ કોમ્પલેક્ષ અને મકાનમાં ફાયર સેફ્ટીની તપાસ કરવા માટે સૂચના આપવામાં આવી છે. જ્યાં પણ અપુરતી વ્યવસ્થા હોય તો ત્યાં તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે તેવું પણ મુખ્યમંત્રી દ્વારા ચોખા શબ્દોમાં કહી દેવામા આવ્યું છે.

આ અંગે મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, ગઇકાલે અમદાવાદમાં શ્રેય હોસ્પિટલમાં જે બનાવ બન્યો તે દુઃખદ છે. આ હચમચાવી મુકનાર અતિ દુઃખદ ઘટના બની છે. ભગવાન મૃતકોના આત્મા શાંતિ અર્પે. અમે સંવેદના વ્યક્ત કરીએ છીએ. ભગવાન એમના પરિવારજનોને શક્તિ આપે.
વધુમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ગઇકાલે સવારે આદેશ કર્યો હતો કે, આખી ઘટનાની તપાસ કરવામાં આવે. આ મામલે એક એસઆઇટીની રચના પણ કરવામાં આવી છે અને બે સિનિયર અધિકારીને તપાસ સોંપી દેવામાં આવી છે અને ત્રણ દિવસમાં આ મામલે આખો રિપોર્ટે પ્રાપ્ત થશે. જેની બેદરકારી હશે તેમના વિરૂ્દ્ધ ગૂનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે.

અમદાવાદની મોટી સરકારી હોસ્પિટલોમાં જેની ગણતરી થાય છે તેવી સોલા સિવિલ હોસ્પિટલ પાસે જ ફાયરની એન.ઓસી ન હોવાનું સામે આવ્યું છે, અને વગર એનઓસીએ હોસ્પિટલ ધમધમાટ ચાલે છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ કે પછી સુરતની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી મુદ્દે ગંભીરતા દેખાતી નથી. અમદાવાદમાં 2100 જેટલી હોસ્પિટલો છે જે પૈકી માત્ર 96 પાસે ફાયર એનઓસી છે જ્યારે અન્ય હોસ્પિટલો પાસે ફાયર એનઓસી નથી અથવા તો ફાયર એનઓસી લીધા બાદ તેઓ રિન્યૂ કરાવતાં નથી. આટલી ગંભીર બેદરકારી હોવા છતાં આજદિન સુધી AMCએ નોટિસ આપીને તે સ્થિતિને સુધારવાનો પ્રયત્ન કર્યો નથી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x