પતંજલિને કોરોનિલ બ્રાન્ડનો ઉપયોગ કરતા હાઈકોર્ટે 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો
ચેન્નઇ :
બાબા રામદેવની કંપની પતંજલિ તરફથી કોરોનિલ બ્રાન્ડનો ઉપયોગ કરવા બાબતે મદ્રાસ હાઈકોર્ટે તેમના પર 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તેની સાથે જ હાઈકોર્ટે કોરોનિલ શબ્દના પ્રયોગ પર પણ રોક લગાવી દેવાનો આદેશ આપ્યો છે. પતંજલિએ પાછલા દિવસોમાં કોરોનાની દવા લોન્ચ કરવાનો દાવો કર્યો હતો. જેનું નામ કોરોનિલ હતું. પણ સરકાર તરફથી તેની મંજૂરી મળી નહીં અને હવે કંપની પોતાના ઈમ્યૂનિટી બૂસ્ટર ઉત્પાદનોને આ નામથી જ વેચી રહી છે. ચેન્નઇ સ્થિત એક કંપનીના પક્ષમાં આદેશ આપતા કોર્ટે કહ્યું કે, પતંજલિએ પોતાના ઉત્પાદનો વેચવા પહેલા ટ્રેડમાર્ક રજિસ્ટ્રીમાં જઈને જોવું જોઇએ કે આ ટ્રેડમાર્ક રજિસ્ટર્ડ છે કે નહીં. ગયા મહિને ચેન્નઇની એક કંપનીએ મદ્રાસ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી કે તેમણે કોરોનિલ 92-B નામથી ટ્રેડમાર્ક 2027 સુધી રજિસ્ટર્ડ કરી રાખ્યો છે. કંપનીએ જૂન 1993માં આ ટ્રેડમાર્ક લીધો હતો. મદ્રાસ હાઈકોર્ટમાં મામલાની સુનાવણી કરતા જસ્ટિસ સીવી કાર્તિકેયને કહ્યું કે, બચાવ પક્ષ(પતંજલિ)એ પોતે આ કાયદાકીય પ્રક્રિયાને મોલ આપવાનું કામ કર્યું છે. તેઓ સરળતાથી ચેક કરી શકતી હતી કે કોરોનિલ રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક છે. જસ્ટિસ કાર્તિકેયને કહ્યું કે, પતંજલિએ એ સમજવું જોઇએ કે વ્યાપારમાં કોઇ સમાનતા જેવી બાબત હોતી નથી. જો તેમણે એ ચેક નથી કર્યું કે આ નામથી પહેલાથી જ કોઇ ટ્રેડમાર્ક છે તો આ તેમની ભૂલ છે. પતંજલિ તરફથી કોર્ટમાં જાણકારી નહીં હોવાનો તર્ક આપી શકાય નહીં.
મદ્રાસ હાઈકોર્ટે ચૂકાદો આપતા કહ્યું કે, લોકોમાં કોરોના વાયરસ સંક્રમણના ડરનો પતંજલિ ફાયદો ઉઠાવવાની કોશિશ કરી રહી છે. કોર્ટે કહ્યું, સામાન્ય નાગરિકોના ડરનો ફાયદો ઉઠાવતા પતંજલિ કોરોના વાયરસની દવાની વાત કરી રહી છે. કોર્ટે કહ્યું કે, પતંજલિ દ્વારા વેચવામાં આવી રહેલી કોરોનિલ દવા માત્ર ખાંસી, શર્દી અને તાવ માટે કારગર છે. એવામાં આ મુશ્કેલીના સમયમાં ગુમનામ થઇ કામ કરનારા સંગઠનોને પતંજલિ તરફથી દંડ આપવામાં આવવો જોઇએ. કોર્ટે પતંજલિ આયુર્વેદને આદેશ આપ્યો છે કે, તેઓ ચેન્નઇ સ્થિત અદાયક કેન્સર ઈન્ટિટ્યૂટ અને ગર્વમેન્ટ યોગ એન્ડ નેચરલ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલને 5-5 લાખ રૂપિયા દંડ સ્વરૂપે આપે.