ગાંધીનગર: પગાર વધારા મુદ્દે 19મી વખત આવેદન, અધ્યાપકો રજુઆત કરવા સચિવાલય ગયા
ગાંધીનગર:રાજયની સરકારી તથા અનુદાનીત શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોનાં પગાર સહિતનાં સરકારી લાભોમાં સરકાર દ્વારા જુદા જુદા પરીપત્રો દ્વારા વધારા કરીને લાભો આપવામાં આવ્યા છે. પરંતુ અનુદાનિત(ગ્રાન્ટેડ) કોલેજમાં ફરજ બજાવતા અધ્યાપકોને તમામ લાભોથી 3 વર્ષથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. આ બાબતને લઇને અધ્યાપક સહાયક મંડળ દ્વારા 19 વખતથી વધુ શિક્ષણ વિભાગ અને મુખ્યમંત્રી કાર્યલયે આવેદનપત્રો આપવા છતા કોઇ ઉકેલ ન આવતા મંગળવારે 200 જેટલા અધ્યાપકો ઉગ્ર રજુઆત કરવા સચિવાલય પહોચ્યા હતા.
શિક્ષણમંત્રી તથા મુખ્યમંત્રી કાર્યલયે આવેદનપત્ર પાઠવવા આવેલા અધ્યકોએ જણાવ્યુ હતુ કે બિન સરકારી અનુદાનીત વિનયન, વાણીજ્ય, વિજ્ઞાન અને કાયદાની કોલેજોમાં ફિક્સ પગારમાં ફરજ બજાવતા અધ્યાપક સહાયકોને પગાર વધારામાંથી વંચિત રખાતા સહાયકોમાં ભારે રોષની લાગણી છે. સરકાર દ્વારા ઓક્ટોબર 2015માં કરવામાં આવેલા પરીપત્રથી કરવામાં આવેલા પગાર વધારામાં પણ બાકાત રાખવામાં આવ્યા હતા. 17 માસથી રજુઆત કરવામાં આવી રહી છે.મહામંત્રી ડો નરેન્દ્ર પટેલે જણાવ્યુ હતુ કે રાજય સરકારનાં ફિક્સ પગારનાં કર્મચારીઓને પગાર અને સેવા્ની શરતો બાબતે સરકાર દ્વારા અવાર નવાર જે સુધારા કરે છે તેનો સીધો લાભ અધ્યાપક સહાયકોને મળવો જોઇએ, પરંતુ મળતો નથી.
ફિક્સ શિક્ષકોનો પગાર 5500થી 19500 થયો
મંડળનાં અધ્યાપકે જણાવ્યુ કે ફિક્સ પગારનાં પ્રાથમિક, માધ્યમિક-ઉચ્ચતર માધ્યમીક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોનો પગાર 5500થી જુદા જુદા પરીપત્રો દ્વારા વધીને તાજેતરનાં 19500 થઇ ગયો છે. પરંતુ કોલેજોનાં અધ્યાપકોનો પગાર ત્યારથી જયાં નો ત્યાં જ છે. રજા લાભો પણ વધતા નથી.
અમારી પાસે ભણેલાનો પગાર અમારાથી વધારે
અનુદાનીત બી.એડ કોલેજોનાં અધ્યાપકોનો પણ આ સહાયકોમાં સમાવેશ થાય છે. ત્યારે એક અધ્યાપકે જણાવ્યુ હતુ કે અમે જે વિદ્યાર્થીને ભણાવીએ અને શિક્ષક તરીકે જોડાય તો તેનો પગાર અમારાથી વધારે થાય છે. જયારે અમારો પગાર ઠેરનો ઠેર છે.