ભુજમાં ચાર વર્ષિય બાળકનો ડેંગ્યુનો રિપોર્ટ પોઝીટીવ!
ભુજ,
ભરશિયાળે કચ્છમાં ડેંગ્યુના પાંચ કેસો બહાર આવ્યા છે. પરિણામે લોકોમાં ફફડાટ ફેલાયો છે તો જિલ્લાના આરોગ્યતંત્રમાં દોડધામ મચી જવા પામી છે. ભુજના સરપટનાકા બહાર રહેતા બાળ દર્દીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
ભુજના સરપટનાકા બહાર રહેતા કુંભારવાસમાં રહેતા ૪ વર્ષિય મોહમંદ ફરહાન રઝાકને ડેંગ્યુનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ બાળક ભુજની ખાનગી હોસ્પીટલમાં સારવાર હેઠળ છે. જાન્યુઆરી માસમાં આરોગ્ય શાખામાં ડેંગ્યુના પાંચ કેસો નોંધાવા પામ્યા છે.
જેમાં અબડાસા, ભચાઉ અને ભુજમાં એક-એક તેમજ ગાંધીધામમાં બે કેસ નોંધાવા પામ્યા છે. ભુજમાં ડેંગ્યુના કેસના પગલે દર્દીના રહેણાંક વિસ્તારની આસપાસ ૧૦૦ ઘરમાં ફોગીંગ અને મચ્છર વિરોધી કામગીરી કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે ગત વર્ષે ૨૦૧૬માં ડેંગ્યુના ૧૫૨ કેસ નોંધાવા પામ્યા હતા.