ગાંધીનગરનાં ગામોને 11 કરોડના ખર્ચે ગટર સુવિધા, સી-ટેક ટેકનોલોજીનો પ્લાન્ટ કાર્યરત કરાશે
ગાંધીનગર:નગર આસપાસના અને શહેરી વિસ્તારમાં સમાવાયેલા બોરીજ-ધોળાકુવા-ઇન્દ્રોડા-પાલજ અને બાસણ ગામને હવે રૂા. 8.17 કરોડના ખર્ચે ગટર લાઇનની સુવિધા આપવામાં આવશે. સાથોસાથ જ નદીની પેલે પાર આવેલા પાલજ અને બાસણ ગામની ગટરોના કચરાના નિકાલ માટે સી-ટેક નામની અદ્યતન ટેકનોલોજીનો પ્લાન્ટ પણ રૂા. 3 કરોડના ખર્ચે ઉભો કરવામાં આવશે. હવે ટૂંક સમયમાં આ કામો હાથ ધરાશે.
પાટનગરની સ્થાપના પછીના ચાર-ચાર દાયકા સુધી શહેરી ગામોને પાણી-ગટરની સુવિધા મળતી ન હતી. પરંતુ હવે પાટનગર યોજના વિભાગના પાણી-ગટર વિભાગ દ્વારા આ ગામોમાં ગટરની સુવિધા આપવાની યોજના હાથ પર લેવાઇ છે. યોજના મુજબ બોરીજ-ધોળાકુવા,ઇન્દ્રોડા, પાલજ અને બાસણ જેવા ગામડાઓમાં ગટર લાઇન નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નદીની આ તરફ એટલે કે, શહેર તરફ આવેલા ગામો બોરીજ-ધોળાકુવા-ઇન્દ્રોડામાં જે પાઇપલાઇન નેટવર્ક હશે તેને ગાંધીનગર શહેરની ગટરો સાથે જોડી દેવામાં આવશે. જ્યારે પાલજ અને બાસણ આ બે ગામોમાં માટે કોમન એવો ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવશે. સી-ટેક ટેકનોલોજીનો પ્લાન્ટ નવી મુંબઇમાં છે. તેમાંથી પસાર થઇને નીકળતું પાણી, કૃષિ વપરાશ માટેના પાણીની ગુણવત્તા કરતા પણ ઉચ્ચ ગુણવત્તાવાળું હોય છે. આમ મુંબઇમાં ઉપયોગમાં લેવાતી ટેકનોલોજી ગાંધીનગરના ગામડાં સુધી પહોંચાડવામાં આવનાર છે.
ગામના કચરાને પમ્પિંગ કરીને મેઇન લાઇનમાં નખાશે
પાંચ ગામોમાં ગટર લાઇનના નેટવર્ક મારફત શહેર તરફના ગામોનો કચરો પમ્પીંગ કરીને મેઇન ગટર લાઇનમાં પહોંચાડવામાં આવશે. બાસણ અને પાલજ બન્ને ગામો નદીની સામે તરફ આવેલા હોવા ઉપરાંત ટેકનીકલી પણ ગટરનો કચરો ગાંધીનગર સુધી લાવવામાં સમસ્યા હતી. તેથી આ બન્ને ગામો માટે અલાયદો ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવામાં આવશે. નોંધનીય છે કે, ગ્રામ્ય પ્રજાને ગટરની સુવિધા મળતા અનેક સમસ્યાઓનો અંત આવવાની સાથે રોગચાળા જેવા બનાવો પણ અટકાવી શકાશે.