ગાંધીનગર મહાપાલિકામાં કોરોનાનો કાળો કહેર, સીટી ઈજનેર અને ડેપ્યુટી મ્યુનિ. કમિશનર કોરોના પોઝિટિવ
ગાંધીનગર :
ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમાં કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. 600 ઉપરાંત કેસ નોંધાય ચુક્યા છે જેમાં અનેક કર્મચારીઓ સંક્રમિત થયા છે ત્યારે ગાંધીનગર મહાપાલિકા સિટી ઇજનેર ભરત પંડ્યા અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર દવે સહિત 4 લોકો સંક્રમિત થતા હડકંપ મચી જવા પામ્યો છે. જેને લઇને ડઝન જેટલા કર્મચારીઓ હોમ કોરેન્ટાઇન થયા છે.
મહત્વનું છે કે, સિટી ઇજનેર છેલ્લા પાંચ દિવસથી કચેરીમાં આવતા ન હતા. આ બાબતની મહાપાલિકાના આરોગ્ય વિભાગને જાણ હોવા છતા તેમના કેસને દબાવી રાખવામાં આવ્યો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ગાંધીનગર મહાનગરપાલિકાના સ્વતંત્રતા દિવસના કાર્યક્રમને લઈ આ જોખમ ઉઠાવવામાં આવ્યું હતું. જો કે, સિટી ઇજનેર કાર્યક્રમમાં હાજર રહ્યા ન હતા, પરંતુ મહાપાલિકાના સત્તાધીશોને જાણ હોવા છતાં આ ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે. અધિકારીનો રિપોર્ટ પણ આવી ગયો હોવા છતાં આરોગ્ય વિભાગ દ્વારા દબાવીને રાખવામાં આવ્યો હતો. મહાનગરપાલિકા મેડિકલ ઓફિસર કલ્પેશ ગોસ્વામીએ કહ્યું હતું કે, સિટી ઇજનેરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, પરંતુ તેઓ છેલ્લા પાંચ દિવસથી કચેરીમાં આવતા ન હતા. જે બાદ કેટલાક અધિકારીઓ સહિત કર્મચારીઓ કોરેન્ટાઇન થયા છે. આ અંગે તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, ઓછામાં ઓછા 12 જેટલા કર્મચારી કોરેન્ટાઇન થયા છે.