આજથી સુરત, રાજકોટ, જૂનાગઢ, ખેડબ્રહ્મામાં સ્વયંભૂ લોકડાઉન જાહેર કરાયું, જાણો વધુ
ગાંધીનગર :
રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. રવિવારે કોરોનાના નવા 1326 નવા દર્દીઓ નોંધાયા છે તો સારવાર દરમિયાન જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતાં વધુ 15 દર્દીઓનાં મોત થયાં છે. અમદાવાદ શહેરમાં 4, સુરત જિલ્લામાં 4, સુરત શહેરમાં 2, ભરૂચ,ભાવનગર, રાજકોટ શહેર, વડોદરા જિલ્લો અને વડોદરા શહેરમાં એક-એક દર્દીનાં મોત થયા છે. આ સાથે જ ગુજરાતમાં અત્યાર સુધીમાં 3213 દર્દીનાં મોત થયા છે. ત્યારે હવે લોકો જાતે પરિસ્થિતિને સમજીને લોકડાઉન જાહેર કરી રહ્યા છે. રાજ્ય સરકારે તો એક પછી એક જગ્યાએ અનલોક જાહેર કરી રહી છે, પરંતુ કોરોના પર કાબૂ મેળવવા રાજ્યના લોકો સ્વંયભૂ લોકડાઉનનો રસ્તો અપનાવી રહ્યા છે. આજે રાજકોટ, ખેડબ્રહ્મા અને જૂનાગઢમાં લોકોએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે.
ખેડબ્રહ્મા શહેર અને તાલુકામાં કોરોનાનું સંક્રમણ વધી જતા આજથી 21 સપ્ટેમ્બર સુધી આઠ દિવસ માટે સ્વયંભૂ લોકડાઉન અમલમાં રહેશે. જીવનજરૂરી ચીજો માટે બજાર સવારે 8 થી 11 ખુલ્લું રહેશે. નગરપાલિકા દ્વારા નગરની ગલીએ ગલીએ જાહેરાત કરી આઠ દિવસ સ્વયંભૂ બજાર બંધ રાખવા અપીલ કરાઈ છે. જોકે, આ વચ્ચે આવશ્યક સેવાઓ જેમ કે, દૂધ પાર્લર, મેડિકલ સ્ટોર, હોસ્પિટલ અને સરકારી કચેરીઓ ખુલ્લી રહેશે. ખેડબ્રહ્મા નગરપાલિકા, વિવિધ વેપારી એસોસિયેશને આ નિર્ણય લીધો છે તથા લારીઓવાળા પણ આ બંધને સમર્થન આપ્યું છે.
સુરતના માંગરોળ તાલુકા મથકે 12 સપ્ટેમ્બરથી 12 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કોરોનાના સતત વધી રહેલા કેસને લઈ ગ્રામ પંચાયતે આ નિર્ણય લીધો છે. જોકે આ દરમિયાન માંગરોળના બજારો સવારે 7 થી 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે પરંતુ આવશ્યક સેવા જેવી કે મેડિકલ અને દૂધની દુકાનો જ ખુલ્લી રહેશે. તાલુકા મથકની મુખ્ય જુમ્મા મસ્જિદ પણ બંધ રાખવાનો મુસ્લિમ આગેવાનોએ નિર્ણય લીધો છે.
કોરોનાના કેસોમાં વધારો થતાં રાજકોટ દાણાપીઠના વેપારીઓએ અડધો દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. સોમવારે સવારે 8થી 3 વાગ્યા સુધી જ દુકાન ખુલ્લી રહેશે. પરિસ્થિતિ કાબૂમાં આવી જશે તો 20 સપ્ટેમ્બરથી દુકાન શરૂ કરી દેવાશે. કોરોનાના કેસ વધતા રાજકોટ દાણાપીઠના વેપારીઓએ આ નિર્ણય લીધો છે. રાજકોટમાં સોની બજાર બાદ દાણાપીઠ એસોસિયેશન દ્વારા સ્વચ્છિક લોકડાઉનનો નિર્ણય લીધો છે. 7 દિવસ દાણાપીઠમાં લોકડાઉન રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં 35 ઝવેરીઓના મોત થતાં શનિવારથી સોનીબજારમાં પણ લોકડાઉનની સ્થિતિ પ્રવર્તી છે. તો બીજી બાજુ જૂનાગઢના માણાવદરના કોયલાણા ઘેડ ખાતે પણ સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું છે.