જમ્મુ અને કાશ્મીરના પંપોરમાં સુરક્ષાદળો પર આતંકી હુમલો, બે જવાન શહીદ
જમ્મુ અને કાશ્મીરના પંપોરમાં સુરક્ષાદળો પર આતંકી હુમલો થયો છે. દક્ષિણ કાશ્મીરના પંપોરના કાંધીજલ બ્રિજ પર સીઆરપીએફની 110 બટાલિયન અને જમ્મુ તથા કાશ્મીર પોલીસના જવાન રોડ ઓપનિંગ ડ્યૂટી પર તૈનાત હતાં. અચાનક ત્યારે જ આતંકીઓએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું. આ આતંકી હુમલામાં 5 જવાનો ઘાયલ થયા હતા. ઘાયલ જવાનોને જિલ્લા હોસ્પિટલ લઈ જવાયા હતાં. જેમાંથી 2 જવાન શહીદ થયા છે.
વિસ્તારને ઘેરી લેવાયો છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે. અત્રે જણાવવાનું કે 27 સપ્ટેમ્બરના રોજ પુલવામા જિલ્લાના અવંતીપોરાના સબૂરા વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી. સુરક્ષાદળો પાસે 2-3 આતંકીઓ છૂપાયેલા હોવાનું ઈનપુટ હતું. ત્યારબાદ ઓપરેશનમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા હતાં. આ અથડામણ દરમિયાન એક પોલીસકર્મી પણ ઘાયલ થયો હતો.