વાયુસેના દિવસ: આકાશમાં જવાનોએ દેખાડયું શૌર્ય, રાફેલે દેખાડયો દમ
દેશની શાન વાયુસેના એ ગુરુવારના રોજ પોતાનો 88મો સ્થાપના દિવસ ઉજવ્યો. આ પ્રસંગે ગાઝિયાબાદના હિંડન એરબેઝ ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં એરફોર્સ ચીફ આરકેએસ ભદૌરિયાએ દેશને સંબોધિત કર્યો. પરંતુ આ કાર્યક્રમમાં આકર્ષણનું કેન્દ્ર રાફેલ ફાઇટર એરક્રાફ્ટ હતું, જેણે પહેલી વખત આ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો. ફ્રાન્સથી તાજેતરમાં જ આવેલા પાંચ રાફેલ લડાકુ વિમાનોમાંથી બે વિમાન અહીં હાજર હતા, જેમાંથી એકે ઉડાન ભરી. જ્યારે રાફેલ આકાશમાં પોતાની તાકાત દેખાડી ત્યારે દરેક લોકો જોતા જ રહી ગયા. રાફેલની સાથે જગુઆર લડાકુ વિમાનોએ ફોર્મેશન તૈયારી કરી હતી, જે એક શાનદાર દ્રશ્ય રહ્યું.
આ દરમ્યાન રાફેલે આકાશમાં કરતબ દેખાડી. રાફેલ ફાઇટર એરક્રાફ્ટ ઉપરાંત સુખોઈ, મિગ, ગ્લોબમાસ્ટર, અપાચે, ચિનૂક હેલિકોપ્ટરએ પણ આકાશમાં પોતાની તાકાત બતાવી હતી. આ વખતે ફ્લાય પાસ્ટમાં કુલ 56 વિમાનો સામેલ થયા હતા, જેમાં દેશી-વિદેશી કેટલાંય લડાકુ અને અન્ય વિમાન-હેલિકોપ્ટર સામેલ રહ્યા. આ સિવાય સૂર્યકિરણ અને સારંગ ટીમે પણ પોતાની તાકાતનો અહેસાસ કરાવ્યો. દેશને સંબોધિત કરતાં એરફોર્સ ચીફ આરકેએસ ભદૌરિયાએ સુરક્ષાની ખાતરી અપાઇ હતી. સાથો સાથ એમ પણ કહ્યું કે આપણા ક્ષેત્રમાં ખતરો વધી રહ્યો છે, પાડોશી દેશ દ્વારા આતંકવાદીઓના ખતરાને વધારવામાં આવી રહ્યો છે તો સાઇબર સ્પેસના લીધે પણ આપણને નવા પડકારો જોવા મળી રહ્યા છે. વાયુસેના સરહદ પર બાજ નજર રાખીને દરેક મોરચે પોતાની તૈયારી કરી રહ્યું છે.
વાયુસેનાના વડાએ કહ્યું કે હાલના સંજોગોએ આપણને વધુ શક્તિશાળી તૈયારીઓ કરવા માટે સજાગ કર્યા છે. એરફોર્સ સતત પોતાના કાફલામાં નવા વિમાનોને સામેલ કરી રહ્યું છે, અપાચે અને રાફેલ તેના જ ઉદાહરણ છે. ઘણાં જૂના એરક્રાફ્ટનું અપગ્રેડેશન પણ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં એરફોર્સના ચીફ આર.કે.એસ. ભદોરિયાએ બે ડઝનથી વધુ વાયુવીરોનું સન્માન કર્યું. તેમાં એ જવાનો પણ સામેલ હતા,જેમણે પાકિસ્તાન સામે બાલાકોટમાં એરસ્ટ્રાઇકમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. જેમાં એક મહિલા અને બે પુરૂષ જવાન સામેલ રહ્યા.