વાલીઓમાં આનંદો: 31મી સુધી ફી ભરવી ઈચ્છનીય છે, દબાણ નહીં કરી શકે સ્કુલ સંચાલકો
વાલી પોતાની અનુકુળતાએ શૈક્ષણિક વર્ષ-2020-21માં ફીની રકમ માસિક ધોરણે કે એકસાથે પણ ભરી શકશે. શાળા કોઈ દંડ વસુલી શકશે નહીં.
31મી ઓક્ટોબર સુધીમાં 50 ટકા ફી નહી ભરો તો 25 ટકા ફી માફીનો લાભ નહી મળે તેવા ખાનગી સ્કૂલ સંચાલકોના જુઠાણાનો રાજ્ય સરકારે ઠરાવ કરીને છેદ ઉડાડયો છે. ખાનગી સ્કૂલોની ફીમાંથી 25 ટકા ઘટાડાના સંદર્ભમાં સરકારે બુધવારે ઠરાવ પ્રસિદ્ધ કર્યો છે અને તેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, વાલી પોતાની અનુકુળતાએ શૈક્ષણિક વર્ષ-2020-21માં ફીની રકમ માસિક ધોરણે કે એકસાથે પણ ભરી શકશે. ફી ભરવામાં વિલંબ થાય તો શાળા વાલી કે વિદ્યાર્થી પાસેથી કોઈ દંડ વસુલી શકશે નહીં. જો કોઈ વાલીએ 100 ટકા ટયુશન ફી એડવાન્સ ભરી હોય તો તે વાલીને આગામી સમયમાં લેવાની થતી ફી સામે આવી વધારાની રકમ સરભર કરી આપવાની રહેશે.
સપ્તાહ પહેલા સરકારે ટયુશન ફીમાં ૨૫ ટકાનો કાપ મૂકવા અંગે કરેલી જાહેરાતમાં અનુરોધ કર્યો હતો કે, વાલીઓ 50 ટકા ફી 31મી ઓક્ટોબર સુધી ભરે. જોકે આ વાતનો ફાયદો ઉઠાવી ખાનગી સ્કૂલોના સંચાલકો વાલીઓને એવી ધમકી આપવા લાગ્યાં હતા કે, જો ૩૧મી ઓક્ટોબર સુધીમાં ફી નહી ભરવામાં આવે તો અમે ૨૫ ટકા ફી માફીનો લાભ નહી આપીએ. જોકે અત્યારે તો સરકારે આ મુદ્દે સ્પષ્ટતા કરી દીધી છે કે, ફી ભરવા માટે કોઈપણ પ્રકારનું દબાણ કરી શકાશે નહી. પરંતુ સવાલ એ થાય છે કે, ખાનગી સ્કૂલના સંચાલકો દ્વારા વાલીઓને 31મી સુધી ફી ભરવાનું ધમકી સાથે દબાણ કરશે તો હજુ રાજ્ય સરકાર હાથ જોડીને બેસી રહેશે કે પછી આવા સંચાલકો સામે કડક કાર્યવાહી કરશે ?
કારણ કે સરકારની જાહેરાત પછી પણ ખાનગી સ્કૂલના સંચાલકો જુઠ્ઠાણા ચલાવી વાલીઓ પાસેથી ફી ઉઘરાવી રહ્યા છે. પરિપત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, શૈક્ષણિક વર્ષ-2019-20ના બીજા સત્રની તમામ ફીની રકમ જો બાકી હોય તો તેમજ વર્તમાન શૈક્ષણિક વર્ષ-2020-21ના પ્રથમ સત્રની 25 ટકા કાપ કર્યા બાદની ટયુશન ફીની 50 ટકા રકમ 31મી ઓક્ટોબર સુધીમાં ભરપાઈ કરી આપે તે ઈચ્છનીય રહેશે. પરંતુ અસામાન્ય સંજોગોમાં સમયમર્યાદામાં ફી ભરવા માટે કોઈ વાલી અક્ષમ હોય તો, વાલી દ્વારા શાળા સંચાલક સમક્ષ કારણો સહિતની રજૂઆત કરવામાં આવે. આ રજૂઆતને શાળા સંચાલકે કેસ ટુ કેસ ગુણદોષને ધ્યાને લઈને સુચારૂ રીતે નિવારણ લાવવાનુ રહેશે.