વિદ્યાર્થીઓ માટે રાહતનો નિર્ણય : મેડીકલ-ડેન્ટલ કોલેજોમાં ફી નહીં વધે.
ગાંધીનગર :
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં પ્રવર્તિ રહેલી કોરોના વાયરસની મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ વખતે ગુજરાતની સરકારી મેડિકલ કોલેજોની ફી નહીં વધારવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું હતું કે જીએમઈઆરએસ હસ્તક રહેલી આઠ મેડિકલ કોલેજોની 1600 સીટો માટે આ વખતે ફીમાં વધારો કરવામાં આવશે નહીં. જેથી 1600 વિદ્યાર્થીઓને ગત વર્ષે જે ફી હતી તે જ ફી ભરવાની રહેશે. નીતિન પટેલે ઉમેર્યું હતું કે 1600 સીટો પૈકી 75 ટકા સીટો સરકારી ક્વોટાની છે. જે બધી જ પારદર્શકતાથી ભરવામાં આવી છે, તે ઉપરાંત મેનેજમેન્ટ ક્વોટાની 10 ટકા સીટો છે તેમજ 15 ટકા સીટો એનઆરઆઈ ક્વોટાની છે. આ તમામ સીટો પર એક વર્ષ સુધી ફીમાં વધારો કરવામાં આવશે નહીં. તેમણે ઉમેર્યું હતું કે જીએમઈઆરએસ હસ્તકની કોલેજો ઉપરાંત રાજ્ય સરકારની જે સિવિલ હોસ્પિટલોમાં સરકારી મેડિકલ કોલેજો ચાલે છે તેમાં પણ આ વર્ષે કોઈ ફી વધારો કરવામાં આવશે નહીં.
રાજ્યની સરકારી તથા જી.એમ.ઇ.આર.એસ. હસ્તકની કુલ-17 મેડીકલ કોલેજ તથા ડેન્ટલ કોલેજમાં અભ્યાસ કરતાં 3250 વિદ્યાર્થીઓને લાભ મળશે. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, તબીબી શિક્ષણ ક્ષેત્રે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે હયાત ફી લેવામાં આવે છે તે જ લેવાશે. રાજ્યમાં જી.એમ.ઇ.આર.એસ. હસ્તકની સોલા, ગોત્રી, ગાંધીનગર, વલસાડ, ધારપુર, હિંમતનગર, જુનાગઢ અને વડનગર મળી કુલ-8 કોલેજો અને 6 સરકારી મેડીકલ કોલેજ, સરકારી ડેન્ટલ કોલેજ 2 અને જી.એમ.ઇ.આર.એસ. હસ્તકની 1 ડેન્ટલ કોલેજમાં અભ્યાસ કરતાં કુલ-3250 વિદ્યાર્થીઓને આ રાહતનો લાભ મળશે.
સરકારી ક્વોટાની વાર્ષિક ટ્યુશન ફી રૂ. 3 લાખ, મેનેજમેન્ટ ક્વોટાની વાર્ષિક ટ્યુશન ફી રૂ. 8 લાખ 25 હજાર અને એન.આર.આઇ. ક્વોટાની વાર્ષિક ટ્યુશન ફી 20 હજાર યુ.એસ. ડોલર જે ગયા વર્ષે નિયત કરાઇ હતી તે જ ફી આ વર્ષે પણ આ ધોરણે વિદ્યાર્થીઓએ ફી ભરવાની રહેશે. નીતિન પટેલે કહ્યું હતું કે, રાજ્ય સરકારની 8 મેડીકલ કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે રૂ.25,000/- વાર્ષિક ફી, સરકારી ડેન્ટલ કોલેજમાં વાર્ષિક રૂ.20,000/- તથા જી.એમ.ઇ.આર.એસ. હસ્તકની સિધ્ધપુરની ડેન્ટલ કોલેજમાં સરકારી અને મેનેજમેન્ટ ક્વોટા માટે રૂ. 2 લાખ તથા એન.આર.આઇ. ક્વોટા માટે રૂ.10,000/- ડોલર ફી લેવામાં આવે છે. તે જ ધોરણે આ વર્ષે પણ ફી લેવામાં આવશે.