દહેગામ બીઆરસી ભવન ખાતે “રક્તદાન શિબિર”નું આયોજન કરાયું
ગાંધીનગર જિલ્લા પ્રાથમિક અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા વિવિધ શાળાઓના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ પરિવાર દ્વારા તમામ તાલુકાઓમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં ૨૧૧ બોટલ રક્ત એકત્રીત કરવામાં આવ્યું હતું. સંયુકત ઉપક્રમે આયોજીત ‘રક્તદાન શિબિર’નું આયોજન તા.8/10/20ને ગુરુવારના રોજ બીઆરસી ભવન, દહેગામ ખાતે મહેશભાઈ મકવાણાના આયોજન હેઠળ કરવામાં આવ્યું હતું.
આ રક્તદાન શિબિરમાં તાલુકાના કુલ 125 રક્તદાતા દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. તેમાંથી મહત્તમ કુલ 80 રક્તદાતા દ્વારા સફળતાપૂર્વક રક્તદાન કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાએથી રક્તદાન શિબિરનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષણ સચિવ ડૉ. વિનોદ રાવ તેમજ પ્રાથમિક શિક્ષણ નિયામક એમ.આઈ.જોષી ની પ્રેરક ઉપસ્થિતિમાં તમામ રક્તદાતાને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડીને આ ઉમદા કાર્યને બિરદાવવામાં આવ્યું હતું.
આ રક્તદાન શિબિર કાર્યક્રમમાં દહેગામ તાલુકાના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, એપીએમસીના ચેરમેન સુમેરુભાઈ અમીન,શહેર ભાજપ મહામંત્રી યોગેન્દ્રભાઈ શર્મા,રોટરી ક્લબના પ્રમુખ નીતિનભાઈ પટેલ તેમજ જેસીઆઈના પ્રમુખ પરેશભાઈ પટેલ અને તેમની ટીમ ઉપસ્થિત રહીને રક્તદાતાને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. આમ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી,ગાંધીનગર અને જિલ્લા શિક્ષણાધિકારી,ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ દહેગામ તાલુકાના રક્તદાન શિબિરમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ધર્મેન્દ્રસિંહ રાઠોડ, તાલુકા એઇઆઈ હેતલબેન ગોસ્વામી,તાલુકા પ્રાથમિક શિક્ષક સરાફી મંડળીના પ્રમુખ અશોકભાઈ પટેલ, શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સંગઠનના પ્રમુખ અને મંત્રી, તમામ સીઆરસી કૉ.ઑ, મુખ્ય શિક્ષક અને શિક્ષક તેમજ રક્તદાતા દ્વારા ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો. ત્યારે આ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરનાર બીઆરસી દહેગામના કૉ.ઑ. મહેશભાઈ મકવાણાએ આ રક્તદાન શિબિરમાં ઉપસ્થિત રહેનાર તમામનું બીઆરસી પરિવાર દહેગામ થકી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.