ગાંધીનગરગુજરાત

ગાંધીનગર મહાપાલિકાનો વહીવટ મેયરના પતિ કેતન પટેલ કરે છે, ડે. કમિ. પી.સી. દવે ભ્રષ્ટાચારી છે : મનુ પટેલ

ગાંધીનગર :
ગાંધીનગર મહાનગર પાલિકાની સામાન્ય સભા 7 મહિના બાદ આજે મંગળવારે મળી હતી. ગત સામાન્ય સભાના એજન્ડા ઉપર ચર્ચા ચાલી રહી હતી. તે દરમિયાન ભરતીના નિયમો ઉપર આવતાં જ સામાન્ય સભામાં ગરમાવો આવી ગયો હતો. ભાજપના જ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને કોર્પોરેટર મનુ પટેલે આ બાબતે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. ભાજપના અન્ય ચાર કોર્પોરેટરોએ આ બાબતે વિરોધ કરતાં મેયરને વોટીંગ કરવાની ફરજ પડી હતી. ત્યારબાદ ભાજપના પાંચ કોર્પોરેટર સભા છોડીને બહાર નીકળી ગયાં હતાં. જ્યારે મેયરે કોર્પોરેટર મનુ પટેલને સસ્પેન્ડ કરવાની ધમકી આપી દીધી હતી. તો બીજી તરફ પટેલે કહ્યું હતું કે, ગાંધીનગર મહાનગર પાલિકાનો વહીવટ મેયર નહીં પરંતુ તેમના પતિ કેતન પટેલ કરી રહ્યાં છે.
ગાંધીનગર મહાપાલિકાનું વર્ષ 2011માં અસ્તિત્વ આવ્યું હતું. અનેક વખત સામાન્ય સભા યોજાતી હોય છે. પરંતુ વિપક્ષના વિરોધ વચ્ચે સામાન્ય સભા માંડ અડધો કલાક ચાલતી હતી. પરંતુ મહાનગરપાલિકાના ઇતિહાસમાં આજે પહેલી વખત અઢી કલાક જેટલા લાંબો સમય સામાન્ય સભા ચાલી હતી. બીજી તરફ ભાજપના સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હોય તેવી ઘટના પણ પહેલી વખત બની હતી. મહાનગરપાલિકાના ડેપ્યૂટી મ્યુનિસિપલ કમિશનર પી. સી. દવે સામે અનેક વખત આંગળી ચિંધાઈ છે. પરંતુ કોઈ ખૂલીને સામે આવતું ન હતું. ત્યારે આજે ભાજપના કોર્પોરેટર અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનુ પટેલે ખુલીને કેમેરા સામે જણાવ્યું હતું કે, ડેપ્યૂટી મ્યુનિસિપલ કમિશનર ભ્રષ્ટાચારી છે, ટેન્ડરોમાં ગોટાળા કરવાનું તેમનું કામ થઈ ગયું છે. કોરોના વાઇરસમાં નાગરિકોને સુવિધા આપવાના કામગીરીમાં અનેક પ્રકારના ગોટાળાઓ કરવામાં આવ્યા હોય તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો. સ્ટેન્ડિંગ કમિટીના 5 સભ્યોએ ભાજપના મેયર સામે બંડ પોકાર્યું. ગાંધીનગર મહાનગર પાલિકાની સામાન્ય સભામાં કર્મચારીઓના આર.આર બાબતે ચર્ચા ચાલી રહી હતી. તે દરમિયાન મનુ પટેલ અને મેયર રીટાબેન પટેલ સામસામે આવી ગયા હતા. મનુ પટેલ પોતાની ખુરશીમાંથી ઊભા થઈને મેયર સામે પણ ચાલ્યા ગયા હતા. ત્યારે મેયરને વોટીંગ કરવાની ફરજ પડી હતી. ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના પાંચ સભ્યો દ્વારા જ તેનો ખુલીને વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનુ પટેલ, પૂર્વ ડેપ્યુટી મેયર કાર્તિક પટેલ, કોર્પોરેટર નીતિન પટેલ, પ્રવિણાબેન દરજી, પ્રીતિ દવે અને ઇલાબેન શુક્લ દ્વારા વિરોધ કરાયો હતો અને ચાલુ સામાન્ય સભામાંથી બહાર નીકળી ગયા હતા. આર.આર સુધારવામાં કોંગ્રેસના સભ્યોએ ખુલ્લો ટેકો આપ્યો. સામાન્ય સભામાં આર.આર બાબતે મેયર દ્વારા વોટીંગ કરવામાં આવ્યું ત્યારે ભાજપના સભ્યો તેનો વિરોધ કર્યો હતો, પરંતુ કોંગ્રેસે તેને ખુલ્લો ટેકો આપ્યો હતો. કોંગ્રેસે કહ્યું કે અમે કર્મચારીઓના હિતમાં છીએ પરંતુ આ બાબતે પણ ચાલુ સામાન્ય સભામાં કોંગ્રેસના મુખ્ય પાંચ કોર્પોરેટરો દ્વારા મનોમંથન કરવામાં આવ્યું હતું અને ચર્ચા કર્યા બાદ ટેકો આપવામાં આવ્યો હતો. મેયર કોંગ્રેસના સંપર્કમાં પહેલેથી જ હતાં. આર.આર સુધારવા બાબતે સામાન્ય સભામાં ચર્ચા કરવામાં આવી ત્યારે ભાજપના સભ્યો તેનો વિરોધ કર્યો હતો. ત્યારે કોંગ્રેસના સભ્યએ હાથ ઊંચો કરીને તેને ટેકો આપ્યો હતો. ત્યારે આ બાબતે ભાજપના કોર્પોરેટર મનુ પટેલે કહ્યું કે, મેયર પહેલેથી જ કોંગ્રેસના સભ્યોના સંપર્કમાં હતા. પ્રણવ પટેલ દ્વારા છેલ્લી ઘડીએ દરખાસ્ત મૂકવામાં આવી હતી. ત્યારે તેમાં તારીખ સુધારવામાં આવી છે. અંતિમ ઘડીએ મેયરે કોંગ્રેસના સભ્યો સાથે મળીને આ દરખાસ્ત મુકાવી હતી. ખુરશી પંખા સહિતની ચીજવસ્તુઓ હલકી ગુણવત્તાની આપવામાં આવે છે. કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી ખુરશી, પંખા, તિજોરી સહિતની ચીજવસ્તુઓ ગાંધીનગરની સામાજિક સંસ્થાઓ અને જરૂરિયાત જણાય ત્યાં મૂકવામાં આવે છે. ત્યારે આ ચીજવસ્તુઓ એકદમ હલકી ગુણવત્તાની હોવાનો આક્ષેપ મનુ પટેલ દ્વારા કરવામાં આવે છે તેમણે કહ્યું હતું કે, મારી ગ્રાન્ટમાંથી આપવામાં આવેલી ખુશીઓ એક મહિનાની અંદર તૂટી ગઈ છે. જેમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. અન્ય વસ્તુઓ માંગવામાં આવી હોવા છતાં ઉપલબ્ધ કરાવવામાં આવતી નથી. ભાજપના કોર્પોરેટર ડોડીયાએ કહ્યું કે મેં 83 પત્રો લખ્યાં અધિકારીઓ જવાબ આપતાં નથી. રાજ્યમાં ભાજપની સરકારને અધિકારીઓ ગાંઠતા નથી તેઓ અનેક વખત ધારાસભ્ય પણ જણાવી ચૂક્યા છે. ત્યારે ભાજપના કોર્પોરેટર ધીરુ ડોડિયાએ સામાન્ય સભામાં કહ્યું હતું કે, અત્યાર સુધી મેં મ્યુનિસિપલ કમિશનરને 83 પત્રો લખ્યા છે. પરંતુ તે મારા પત્રોના જવાબ જ આપતા નથી. જ્યારે ભાજપના અન્ય કોર્પોરેટર મનુ પટેલે કહ્યું કે મેં પણ 40 પત્રો લખ્યા છે. પરંતુ મ્યુનિસિપલ કમિશનર રતનકવર ગઢવીના અભ્યાસક્રમમાં કોઈ પત્રનો જવાબ આપવો નહીં તેવું હશે તેના કારણે તે જવાબ આપતા નથી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x