મગફળીની ખરીદીમાં 50 કિલોના બરદાનમાં 25 કિલો મગફળી ખેડૂતો ભરી શકશે
મગફળી ખરીદીને લઈ રાજ્ય સરકાર દ્વારા કેબિનેટની બેઠકમાં વધુ એક મહત્વનો નિર્ણય લેવાયો છે. રાજ્યમાં 21 ઓક્ટોબરથી શરૂ થતી મગફળીની ખરીદીમાં 50 કિલોના બરદાનમાં 25 કિલો મગફળી ખેડૂતો ભરી શકશે. અગાઉ રાજ્ય સરકારે 30 કિલો અને 35 કિલો મગફળી ભરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
રાજ્યમાં આ વર્ષે ભારે વરસાદના કારણે ખેડૂતોને પડતી મુશ્કેલીના કારણે 50 કિલોના બરદાનમાં 25 કિલો મગફળી ભરવા છૂટ અપાઈ છે. રાજ્ય સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે 1 ઓક્ટોબરથી ઓનલાઇન રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ છે. જેમાં અત્યારસુધી સવા ચાર લાખ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. અને ગત વર્ષની જેમ આ વર્ષે પણ 4.70 લાખ રજિસ્ટ્રેશન થાય તેવી સંભાવના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ વ્યક્ત કરી છે.