પેટા ચૂંટણી : કૉંગ્રેસમાં ટિકિટ ન મળતા મોરબી જિ.પં. પ્રમુખ ભાજપમાં જોડાયા
ગાંધીનગર :
ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવવામાં થોડા જ દિવસો બાકી છે ત્યારે આજે મોરબી કૉંગ્રેસમાં ભંગાણ પડ્યું છે. ટિકિટ વહેંચણીથી નારાજ જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલિયાએ બીજેપીનો ખેસ ધારણ કર્યો છે. પોતે પ્રબળ દાવેદાર હોવા છતાં, ટિકિટ ન મળતા કિશોર ચીખલિયા કૉંગ્રેસથી નારાજ થતા આ પગલું ભર્યું છે. મોરબી બેઠક પર કૉંગ્રેસે જયંતિ જેરાજને ટિકિટ આપતા કિશોર ચીખલિયા નારાજ થયા હતા. ત્યારે આજે જ્યારે ભાજપ કાર્યાલયના ઉદ્ધાટન સમયે કિશોર ચીખલિયા ભાજપમાં જોડાયા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, કિશોર ચીખલીયા પર એસીબીમાં થયેલ કેસ પાછો ખેંચવા અને જિલ્લા પંચાયતમાં ફરી પ્રમુખ બનાવવા માટેની ભાજપે કમિટમેન્ટ કર્યું છે. કિશોર ચીખલીયા અને જ્યંતી જેરાજ પટેલના નામમાંથી કોંગ્રેસે જયંતિ પટેલને ઉમેદવાર બનાવતા કિશોર ચીખલીયા સંપર્ક વિહોણા બન્યા છે. ગત મોડી રાત્રીથી કિશોર ચીખલીયા કોંગ્રેસથી સંપર્ક વિહોણા બન્યા છે. પાર્ટીના સિનિયર નેતાઓ કિશોર ચીખલીયાને મનાવવા માટે આતુર હતા. પરંતુ કિશોર ચીખલીયા સંપર્ક વિહોણા થતા સિનિયર નેતાઓ પણ મુંઝવણમાં મુકાયા છે. પ્રદેશ કોંગ્રેસ નેતાના મતે કિશોર ચીખલીયા પ્રબળ ઉમેદવાર હતા.
જ્યારે સ્થાનિક કોંગ્રેસના નેતાના મતે જ્યંતિ જેરાજ પટેલ પ્રબળ ઉમેદવાર માનવામાં આવતા હતા. આજ કારણને લઈને પ્રદેશ અને સ્થાનિક નેતાઓ વચ્ચે વિવાદ જોવા મળ્યો હતો. નોંધનીય છે કે, ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે 16 ઓક્ટોબર ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. 17 ઓક્ટોબરે ઉમેદવારી પત્ર ચકાસણી થશે. 19 ઓક્ટોબર સુધી ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકાશે. 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે.