શેર બજારમાં હડકંપ, 1000થી વધુ પોઈન્ટનો કડાકો, 3 લાખ કરોડ ડૂબ્યાં
નબળાં ગ્લોબલ સંકેતોને કારણે શેર બજારમાં આજે કડાકો બોલી ગયો છે. કારોબારની શરૂઆતમાં સેંસેક્સમાં મામૂલી વધારો થયો હતો. પણ કારોબારના અંતમાં શેર બજારમાં હડકંપ મચી ગયો હતો. લગભગ 20 દિવસો સુધી શેર બજારમાં આજે જબરદસ્ત કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ 1,066.33 અંકો એટલે કે 2.61% ટકાના કડાકો બોલાયો હતો. 41 હજારની સપાટી નજીક પહોંચેલો આજે કડાકાને કારણે 39,728.41ના સ્તરે પહોંચી ગયો હતો. તો નિફ્ટી પણ ઊંધા માથે પટકાઈ હતી. નિફ્ટીમાં 302.10 અંકો એકટેલ કે 2.52 ટકાના ઘટાડા સાથે 11660ના સ્તર પર બંધ થયો હતો.
દેશની દિગ્ગજ આઈટી કંપની ઈન્ફોસિસના ત્રિમાસિક પરિણામ જાહેર થયા છે. ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં કંપનીને 20 ટકાથી વધારેનો નફો થયો હતો. ગુરુવારે શરૂઆતી કારોબાર દરમિયાન ઈન્ફોસિસના શેર 2 ટકાથી વધારે મજબૂત થયા હતા. જો કે, થોડા સમયમાં જ નફો ખાવાની દોડ મચતાં ઈન્ફોસિસના શેર 3 ટકાથી વધારે ઘટી ગયા હતા. અન્ય આઈટી કંપનીઓના શેરમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
શેર બજારની આ દોડધામથી રોકાણકારોનાં લગભગ 3 લાખ કરોડ રૂપિયા સાફ થઈ ગયા છે. બુધવારે BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 1,60,56,605.84 કરોડ રૂપિયા હતું. જે આજે ઘટીને 1,57,65,742.89 કરોડ રૂપિયા થઈ ગયું છે. આજના કારોબારમાં IT શેરોમાં જોરદાર વેચાવલી જોવા મળી રહી છે. નિફ્ટી પર ઈન્ડેક્સ 718.30 અંક એટલે કે 3.23 ટકા તૂટી ગયો છે. HCL ટેક અને માઈન્ડ ટ્રીમાં 5 ટકા ઘટ્યો છે. TCS અને વિપ્રો 2 ટકાથી વધારે ઘટ્યા છે. ટેક મહિન્દ્રા અને ઈન્ફોસિસના શેર પણ 3-4 ટકા તૂટ્યા છે.