પાકિસ્તાનનાં ઝડપી બોલર ઉમર ગુલ ક્રિકેટમાંથી જાહેર કરી નિવૃત્ત
પાકિસ્તાનનો ઝડપી બોલર ઉમર ગુલ ક્રિકેટમાંથી નિવૃત્ત થયો છે. 36 વર્ષીય ગુલે પાકિસ્તાન માટે 47 ટેસ્ટ, 130 વનડે મેચ અને 60 ટી 20 મેચોમાં ભાગ લીધો હતો. નેશનલ ટી 20 ટૂર્નામેન્ટમાં બલુચિસ્તાનની હાર બાદ તેણે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. તેની ટીમ આ ટૂર્નામેન્ટમાંથી બહાર નીકળી ગઈ છે. પેશાવરના રહેવાસી ઓમર ગુલે વર્ષ 2003 માં પાકિસ્તાન તરફથી વનડેમાં પ્રવેશ કર્યો હતો. લોકોએ આંતરરાષ્ટ્રીય મંચ પર વર્ષ 2002 માં આઈસીસી અંડર 19 વર્લ્ડ કપમાં પ્રથમ વખત મેચ રમતો જોયો હતો. લગભગ 20 વર્ષથી ક્રિકેટ રમનાર ગુલ નિવૃત્તિની ઘોષણા કરતી વખતે ખૂબ જ ભાવનાશીલ બની ગયો હતો. ખેલાડીએ પરિવાર, મિત્રો અને કોચનો આભાર માન્યો હતો.
ગુલે ભીની આંખોએ આ પ્રસંગે કહ્યું કે તે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો આભારી છે કે તેને દેશ માટે રમવાનો મોકો મળ્યો. 2003 ના વર્લ્ડ કપમાં પાકિસ્તાનના નબળા પ્રદર્શન બાદ ઉમર ગુલને પહેલીવાર ટીમમાં તક મળી હતી. આ તે સમયગાળો હતો જ્યારે વસીમ અકરમ અને વકાર યુનુસ જેવા દિગ્ગજ ખેલાડીનો સુરજ આથમી રહ્યો હતો. ક્રિકેટના તમામ ફોર્મેટ્સમાં ગુલે કુલ 987 વિકેટ લીધી હતી. ઉમર ગુલ યોર્કર્સ ફેંકવામાં નિષ્ણાત હતો. મોટામાં મોટા ખેલાડીઓ તેમના યોર્કર્સ સમક્ષ લાચાર થઈ જતા હતા. એ દિવસોમાં યુવરાજ સિંહને ગુલે ઘણી મુશ્કેલીઓ આપી હતી.
ટેસ્ટ, વનડે અને ટી 20 ની કુલ 22 મેચ આ બંનેનો સામનો થયો હતો અને આ દરમિયાન તેણે યુવરાજ સિંહને 6 વખત આઉટ કર્યો હતો. 2007ના ટી 20 વર્લ્ડ કપમાં, ઉમર ગુલે પાકિસ્તાનને ફાઇનલમાં લઈ જવા માટે મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેણે આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન માટે સૌથી વધુ વિકેટ ઝડપી હતી. આ સિવાય ગુલે 2009માં પાકિસ્તાનને વર્લ્ડ ટી 20 ચેમ્પિયન બનાવ્યું હતું. ગુલ આ ટૂર્નામેન્ટમાં તેની ટીમ માટે સૌથી વધુ વિકેટ લીધી હતી. ગુલ લાંબા સમય સુધી આઈસીસી ટી20 રેન્કિંગમાં નંબર વન બોલર હતો. 2007 ટી20 વર્લ્ડ કપમાં ગુલ ન્યુઝીલેન્ડ સામે તેણે 6 રનમાં 5 વિકેટ લીધી હતી. લાંબા સમય સુધી તે શ્રેષ્ઠ બોલિંગનો રેકોર્ડ હતો.