આરટીઆઈમાં ખુલાસો: કંગના સામે કેસ લડવા બીએમસીએ ખર્ચ્યા 82 લાખ રૂપિયા
મુંબઈના આરટીઆઈ કાર્યકર્તા શરદ યાદવે અરજી કરીને માહિતી માગી હતી કે કંગનાની અરજીની વિરુદ્ધ મુંબઈ નગર નિગમે કયા વકીલને રોક્યા અને તેને કેટલા રૂપિયા આપ્યા હતા? બીએમસીએ જવાબ આપ્યો હતો કે એક્ટ્રેસ વિરુદ્ધ કેસ લડવા માટે લીગલ ટીમને અત્યાર સુધી 82 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. બીએમસીએ કહ્યું હતું, ‘આ કેસમાં હાઈકોર્ટમાં રજૂઆત કરવા માટે વકીલ આકાંક્ષા ચિનોયને લેવામાં આવ્યા છે. નગર પાલિકાએ કાયદા વિભાગના કહેવા પ્રમાણે તેમને 22 સપ્ટેમ્બરના રોજ 7 લાખ 50 હજારના હિસાબે ત્રણ વાર તથા 7 ઓક્ટોબરના રોજ 7 લાખ 50 હજારના હિસાબે 8 વાર પૈસા આપ્યા છે.
ખુલાસા બાદ કંગનાએ એક ટ્વીટમાં મહારાષ્ટ્ર સરકારને આડેહાથ લીધી હતી. એક્ટ્રેસે પોતાની ટ્વીટમાં કહ્યું હતું, ‘મ્યુનિસિપલ કોર્પોરેશને મારા ઘરમાં થયેલા ગેરકાયદેસર બાંધકામને તોડવા માટે અત્યાર સુધી 82 લાખ રૂપિયા ખર્ચ કર્યા. એક યુવતીને હેરાન કરવા માટે પપ્પાના પપ્પુએ જનતાના પૈસા ખર્ચ કર્યા, આજે આ જગ્યાએ મહારાષ્ટ્ર આવીને ઊભું રહી ગયું. કમનસીબ. કંગના રનૌતના કેસ પાછળ બીએમસીએ 82 લાખ ખર્ચ કરવા પર ભાજપ નેતા નિતેશ રાણેએ પણ ટીકા કરી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું,
વાહ, મુંબઈકર ટેક્સ ચૂકવી રહ્યા છે. 1. પેંગ્વિન્સ 2. કંગના વિરુદ્ધ કેસ કરનાર વકીલો માટે. હવે શું વધ્યું છે? તેમના બાળકોના લગ્ન પણ આપણાં જ પૈસે થશે એવું લાગે છે. બીએમસીએ 9 સપ્ટેમ્બરના રોજ કંગનાની ઓફિસમાં ગેરકાયદેસર બાંધકામ થયું હોવાનું કહીને તોડફોડ કરી હતી. કહેવાય છે કે બીએમસીએ 40 ટકા ભાગ તોડી પાડ્યો હતો. તોડફોડ વિરુદ્ધ કંગનાએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને 2 કરોડ રૂપિયાનું વળતર માગ્યું હતું. હાઈકોર્ટે હજી સુધી પોતાનો ચુકાદો આ કેસમાં આપ્યો નથી.