અભિનવ કોહલીએ શ્વેતા તિવારી પર પુત્ર રેયાંશને ગુમ કરવાનો લગાવ્યો આરોપ
હાલમાં બધા જ જાણે છે કે શ્વેતા તિવારી અને અભિનવ કોહલીના લગ્નમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું અને આ વાત છેલ્લા ઘણા સમયથી સમાચારોમાં છે. 2019માં શ્વેતાએ પોલીસમાં અભિનવ વિરુદ્ધ ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી હતી. જો કે, તેમણે આ અંગે હજી સુધી ખુલ્લેઆમ વાત કરી નથી. બીજી તરફ અભિનવ કોહલી સોશિયલ મીડિયા પર શ્વેતા વિશે ઘણી વાતો કરી રહ્યો છે. હવે અભિનવ કોહલીએ શ્વેતા તિવારી પર પુત્ર રેયાંશને ગુમ કરવાનો આરોપ લગાવ્યો છે. હાલમાં જ શ્વેતા તિવારીને કોરોના પોઝિટીવ આવ્યો હતો અને જેના કારણે તેણે પતિ અભિનવ કોહલી પાસે પુત્રને છોડી દીધો હતો.
હવે અભિનવ કહે છે કે તેણે 40 દિવસ સુધી તેમના પુત્રની સંભાળ રાખી હતી. અભિનવનું કહેવું છે કે હવે શ્વેતાએ અને પલકે રેયાંશની સંભાળ લેવાની ના પાડી, ત્યારબાદ અભિનવ અને તેની માતાએ પુત્રની સંભાળ લીધી. અભિનવે શ્વેતા પર પોલીસના નામે ગુંડાગીરીનો આરોપ પણ લગાવ્યો છે. તેણે એમ પણ કહ્યું હતું કે શ્વેતા મને કંઈ જ કહ્યા વગર રૈયાંશને લઈ ગઈ છે અને તેને છુપાવી દીધો છે. એક ન્યુઝ ચેનલને ઇન્ટરવ્યૂ આપતાં અભિનવે કહ્યું, રવિવાર(25 ઓક્ટોબર) થી મારો દીકરો રેયાંશ મળી રહ્યો નથી. મને ખબર નથી કે તે ક્યાં છે. છેલ્લા 40 દિવસથી તે મારી સાથે હતો. પરંતુ ગયા રવિવારથી શ્વેતા મારા દીકરાને કોઈ અજાણ્યા સ્થળે લઈ ગઈ છે અને તેણે મને તે વિશે કંઈ જ જણાવ્યું નથી.
રવિવારથી હું શ્વેતા સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યો છું પરંતુ તે મારા કોલ્સ અને મેસેજનો જવાબ આપી રહી નથી. અભિનવે વાત કરતાં કહ્યું હતું કે શ્વેતાએ તેને બ્લોક કરી દીધો છે અને તેણે 5 દિવસથી તેમના પુત્રને જોયો નથી. તેણે એમ પણ કહ્યું હતું કે શ્વેતા હવે તેના જીવનમાંથી ગાયબ થઈ ગઈ અને તે અભિનેત્રી માટે મરી ગઈ એમ સમજો. અભિનવનું કહેવું છે કે તેણે પોતાનું સર્વશ્રેષ્ઠ આપ્યું છે પરંતુ તેને રૈયાંશ મળી રહ્યો નથી. તેણે કહ્યું કે તે શ્વેતાના શો મેરે ડૈડ કી દુલ્હનના સેટ પર પણ ગયો હતો પરંતુ શ્વેતાએ તેને કશું કહ્યું નહીં. અભિનવના જણાવ્યા મુજબ તેણે શ્વેતા સાથેની મુલાકાતનો વીડિયો પણ બનાવ્યો હતો જેથી તે પુરાવા તરીકે તેનો ઉપયોગ કરી શકે.