મતદાન પહેલા ધનાણીનો ટોણો, કહ્યું-“મતનું દાન થાય, વેંચાણ નહી”
ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠક માટે આવતીકાલે 3જી નવેમ્બરે મતદાન થશે. મતદાનને લઈને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ તૈયારીઓને લઈને માહિતી આપી હતી. ચૂંટણી પહેલા વિરોધ પક્ષના નેતા પરેશ ધનાણી પોતાની શૈલીમાં સત્તા પક્ષ પર નિશાન સાધ્યું છે અને સાથે સાથે તેમણે કાલે ઉમરકાભેર મતદાન કરવાની પણ મતદારોને વિનંતી કરી છે. તેમણે નિશાન સાધતા સોશિયલ મીડિયાના માધ્યમથી કહ્યું હતું કે, “મતનું દાન થાય, વેંચાણ નહી” જો “ગદ્દાર” જીતશે તો.., “ગુલામી” પાછી આવશે.!, બંધારણને બચાવવા, લોકશાહીને ટકાવવા અને આઝાદીના વારસાને આગળ ધપાવવા માટે સૌને સામુહિક મતદાન કરવા વિનંતી..!
રાજ્યના ચીફ ઈલેક્શન કમિશનર ડો. એસ મુરલીકૃષ્ણને સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે તેવી માહિતી આપી હતી. રાજ્યમાં અબડાસા, ધારી, લીંબડી સહિતની 8 બેઠક પર વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ રહી છે. તેમાં ભાજપ, કોંગ્રેસ, બીટીપી સહિતની પાર્ટીઓ અને અપક્ષ મળીને 80 ઉમેદવારો વચ્ચે જંગ છે.