ગાંધીનગર: મનપાનાં કથિત ભ્રષ્ટાચાર સામે યુવા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, કમિશનરને આવેદન
ગાંધીનગર:
ગાંધીનગર મહાનગર પાલિકામાં વિવિધ કક્ષાએ ભ્રષ્ટ્રાચાર ચાલી રહ્યો હોવાનાં આક્ષેપ સાથે સોમવારે ગાંધીનગર શહેર અને જિલ્લા યુવક કોગ્રેસ સમિતી દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે ‘યુવા આક્રોશ રેલી’ યોજી સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શન બાદ યુથ કોગ્રેસનાં આગેવાનો દ્વારા મહાનગર પાલીકાનાં કમિશનરને ભ્રષ્ટાચાર તથા લોકો પ્રશ્નોની થઇ રહેલી અવગણનાં સાથેનું આવેદન પત્ર પાઠવ્યુ હતુ. યુવા કોગ્રેસનાં આ કાર્યક્રમમાં 150 જેટલા આગેવાનો તથા કાર્યકરો જોડાયા હતા.
યુવક કોગ્રેસ સમિતીનાં જિલ્લા પ્રમુખ ભાવેશભાઇ દેસાઇએ કાર્યક્રમને લઇને જણાવ્યુ હતુ કે પાવર લાઇન એજન્સી દ્વારા નોટબંધી બાદ જુની નોટોમાં જે એડવાન્સ પગાર ચુકવાયો છે રૂ. 200 લાખથી વધુનું કૌંભાડ છે. જેમાં બ્લેકમાંથી વ્હાઇટ કરવાનો ભ્રષ્ટ્રાચાર થયો છે. છેલ્લા 3 વર્ષમાં બજેટમાંથી રેન બસેરાની ગ્રાન્ટ ફળવાય છે પણ શહેરમાં કયાં રેનબસેરા જ નથી ! વાઇફાઇનાં નેટવર્ક પણ યોગ્ય આવતા નથી. શહેરી વિસ્તારમાં જીડીસીઆર વિરૂધ્ધ બાંધકામો થઇ રહ્યા છે. મોટા ભાગની સોલાર લાઇટો બંધ છે. ટેન્ડરમાં જે તે કંપનીને મરામતનાં ખર્ચ સાથે કોન્ટ્રાક્ટ આપેલો છતા લાઇટો બંધ છે. સફાઇ કામમાં નિયત કરતા વધારે ખર્ચ નોંધાયે છે. રમત ગમત તથા જીમનાં સાધનોમાં હલકી ગુણવતાનાં સાધનો મુકી ભ્રષ્ટ્રચાર થયો છે.
કર્મચારીઓને જુની નોટોથી ચુકવણી તથા મહેનતાણામાંથી કટકી સહિતનાં મુદ્દા ઉછાળ્યા
યુથ કોગ્રેસ દ્વારા ગ્રામ્ય વિસ્તારનાં લોકોને માલિકી હક્ક આપી કબજેદારની જગ્યાએ બિલમાં માલિકોનાં નામ લખવામાં આવે, પુરતા પ્રેશરથી પાણી મળે, ગટરનાં પ્રશ્નો દુર થાય, કોમન પ્લોટ્સની સમયસર સફાઇ થાય, પડી રહેલા રૂ.12 કરોડ માર્ગોની સુધારણામાં વપરાય, ઉજ્જડ બગીચાઓમાં સુધારો થાય, રીક્ષા, લારીઓ તથા પાથરણાને યોગ્ય જગ્યા મળે, ટ્રાન્સપોટ્રેશનની સુવિધા સુધરે, દબાણો દુર કરવામાં વ્હાલા દવલાની નિતી દુર થાય તથા નાગરીકોનાં આરોગ્યનાં ભોગે જયાં ત્યાં મોબાઇલ ટાવરોને મંજુરી ન આપવા ફરીયાદ કરી હતી.