ગાંધીનગર: ડિલરોની નંબર પ્લેટ સામે પૈસાની ડિમાંડ, ગ્રાહકો પર વધારાનો 250 રૂ.નો બોજ
ગાંધીનગર:
રાજ્યમાં નંબર પ્લેટનો બેકલોગ વધે નહીં તે માટે શોરૂમમાંથી વાહનની ડિલીવરી વખતે જ નંબર પ્લેટ ફીટ કરવાની સિસ્ટમનો અમલ થાય તો વાહન ચાલકો પર વધારાનો આર્થિક બોજો પડશે. નવી વ્યવસ્થા માટે ડીલરોએ નંબર પ્લેટ દીઠ 250 રૂપિયાની માંગણી કરતા આ તમામ ખર્ચ ગ્રાહકો પર આવશે. ડીલરોની પૈસાની માંગણીના પગલે સરકારે હાલ નવી વ્યવસ્થાનો અમલ મોકૂફ રાખ્યો છે અને આ વ્યવસ્થા માટે કેટલો વ્યાજબી ખર્ચ મંજૂર રાખવો તેની વિચારણા હાથ ધરાઇ છે.
આરટીઓ કચેરીમાં નંબર પ્લેટનો બેકલોગ વધી જવાના કિસ્સાને પગલે વાહન વ્યવહાર વિભાગે 1લી જાન્યુઆરીથી તમામ વાહનોને ડિલીવરી વખતે શોરૂમમાંથી જ નંબર પ્લેટ ફીટ કરવાની સિસ્ટમ અમલી બનાવવાની જાહેરાત કરી હતી. પરંતુ ડીલરોએ નંબર પ્લેટ એમ્બોસ કરવાના મશીન અને તે માટેના કારીગરો રોકવા સહિતના ખર્ચ પેટે નંબર પ્લેટ દીઠ 250 રૂપિયાની માંગણી કરી છે.
હાલ ટૂ વ્હીલરમાં નંબર પ્લેટ માટે રૂ. 240 અને ફોર વ્હીલર માટે 410 રૂપિયા વસૂલાય છે શો રૂમમાં નંબર પ્લેટ ફીટ થાય તો વધારાનો ખર્ચ વાહનચાલકોને ભોગવવો પડશે. વાહન વ્યવહાર મંત્રી વલ્લભ કાકડીયાએ કહ્યું કે, ડીલરોની ડિમાન્ડ સામે શું થઇ શકે અને મશીન તેમજ માણસો મૂકવાનો ખર્ચ કેટલો થાય તેનો સર્વે કરવાની સૂચના આપી છે જેની વિચારણા પછી નિર્ણય લેવાશે. ઉપરાંત ડીલર દીઠ મશીન મૂકવાને બદલે આઠ દસ ડીલરો વચ્ચે એક મશીન મૂકવા અંગે પણ વિચારણા કરાઇ રહી છે જેથી નંબર પ્લેટ દીઠ ખર્ચ ઓછો આવી શકે.