ઓબામાએ ભારત અને રામાયણ-મહાભારતને લઈને પુસ્તકમાં કરી મોટી વાત
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ લખેલા પુસ્તકમાં અનેક સનસનાટી પ્રકરણોને શામેલ કરવામાં આવ્યા છે. આ પુસ્તકમાં એક પછી એક ખુલાસાઓ કરવામાં આવી રહ્યાં છે. ઓબામાના પુસ્તકમાં રાહુલ ગાંધી અને મનમોહન સિંહને લઈને ખુલાસા કરવામાં આવ્યા હતાં જેને ભારે વિવાદ સર્જ્યો હતો, હવે પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે ભારત ઓબામાના દિલની ખૂબ નજીક છે. ઓબામાએ તેમના પુસ્તક ‘એ પ્રોમિસ્ડ લેન્ડ’માં લખ્યું છે કે, તેમણે બાળપણમાં ઘણાં વર્ષો ઇન્ડોનેશિયામાં વિતાવ્યાં અને ત્યાં રામાયણ તથા મહાભારત ને લગતી ઘણી વાર્તાઓ સાંભળી હતી. ભારત વિશે મારી કલ્પના હતી, સપનાં હતાં,
પરંતુ ત્યાં જવાની તક 2010માં રાષ્ટ્રપતિ તરીકે મળી હતી. ઓબામાએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, ભારત માટે મારા દિલમાં ખાસ જગ્યા છે. મેં બાળપણમાં ઇન્ડોનેશિયામાં રામાયણ અને મહાભારત સાથે જોડાયેલી વાર્તાઓ સાંભળી હતી. આ લગાવ લગભગ એટલા માટે પણ છે, કેમ કે ભારત ખૂબ જ મોટો દેશ છે. દુનિયાની કુલ વસતિનો છઠ્ઠો ભાગ અહીં રહે છે. બે હજારથી વધુ જનજાતિઓ છે અને સાતસો કરતાં પણ વધુ ભાષાઓ બોલવામાં આવે છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાએ 2010ના ભારત પ્રવાસનો ઉલ્લેખ કર્યો છે. એ પ્રવાસને યાદગાર ગણાવ્યો છે અને કહ્યું હતું કે, તેમણે ભારત પ્રવાસની તક ખૂબ જ મોડી સાંપડી હતી. ઓબામા ઉમેરે છે કે, કલ્પનામાં ભારત માટે ખાસ જગ્યા છે,
પણ ત્યાં જવાની તક રાષ્ટ્રપતિ બન્યા બાદ જ મળી. કોલેજના દિવસોમાં ભારત અને પાકિસ્તાનના ઘણા મિત્રો હતા. તેઓ મને કહેતા હતા કે ‘દાળનો ખીમો કેવી રીતે બને તે જણાવતા. આ મિત્રોએ મને બોલિવૂડની ફિલ્મો પણ બતાવી હતી. ઉલ્લેખનીય છે કે, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ લખેલા પુસ્તકમાં ભારત અને ભારતના રાજકારણીઓને લઈને અનેક મહત્વના ખુલાસા કર્યા છે. પોતાના પુસ્તકમાં ઓબામાએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને નિરૂત્સાહ અને કોઈ પણ વિષયમાં કોઈ પણ પ્રકારની પકડના અભાવ વાળા નેતા ગણાવ્યા હતાં.