હવે દિલ્હીમાં માસ્ક નહી પહેરનારે 2000 રૂપિયા દંડ ભરવો પડશે
તહેવારો ટાણે દિલ્હીમાં કોરોનાનો ભયંકર પ્રકોપ જોવા મળી રહ્યો છે. જેને પગલે હવે દિલ્હી સરકારે આકરો નિર્ણય લેવાની ફરજ પડી છે. સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે હવે દિલ્હીમાં માસ્ક નહી પહેરનારે 2000 રૂપિયા દંડ ભરવો પડશે. સીએમ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં કોરોનાની સ્થિતિ પર ચર્ચા કરવા માટે આજે સર્વદળીય બેઠક બોલાવવામાં આવી હતી. મીટિંગમાં અનેક સૂચનો મળ્યા. સારી ચર્ચા થઈ. આ સૂચનો પર અમે અમલ કરીશું. આ સાથે જ અરવિંદ કેજરીવાલે કહ્યું કે છઠ પૂજા કરવાની ના નથી પરંતુ જો 200 લોકો કોઈ નદી કે તળાવમાં છઠ પૂજા માટે ઉતરે અને તેમાથી કોઈ એકને પણ કોરોના હોય તો મોટા પાયે ફેલાશે.
તેના વાયરસ પાણીમાં આવશે અને કોરોના ઝડપથી ફેલાઈ શકે છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે લોકો પોત પોતાના ઘરમાં છઠ પૂજા મનાવે. વાત દિલથી ભક્તિ કરવાની છે, આથી આપણે આપણા ઘરોમાં છઠ પૂજા કરી શકીએ છીએ. અનેક રાજ્યોમાં સરકારોએ જાહેર જગ્યાઓ નદી કે તળાવના કિનારે છઠ પૂજા કરવા પર એટલે જ પ્રતિબંધો મૂક્યા છે. કારણ કે જો આવા પ્રતિબંધો ન હોય તો કોરોના ફેલાઈ શકે છે.
હું બાકીના પક્ષોને પણ એ જ કહું છું કે તેના પર રાજકારણ ન રમો. બેડની સંખ્યા પર સીએમ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં હજુ લગભગ સાડા સાત હજાર બેડ ઉપલબ્ધ છે. જ્યારે હોસ્પિટલોમાં 446 આઈસીયુ બેડ છે. આ સાથે જ કેજરીવાલે ડોક્ટરો અને કર્મચારીઓનો આભાર પણ વ્યક્ત કર્યો. સીએમ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં ડોક્ટરોએ જે પ્રકારે કોરોના સમયે કામ કર્યું એવું દુનિયાના મોટા મોટા દેશોમાં પણ જોવા મળ્યું નથી. હું તેમને સેલ્યુટ કરું છું.