ગાંધીનગરગુજરાત

ગ્રામજનોએ શહેરીકરણ કરતાં શિક્ષણને વધુ પ્રાધાન્ય આપ્યું

ગાંધીનગર,

દેશના તમામ ગામોમાં પ્રજાસત્તાક દિને ગ્રામસભા યોજવામાં આવી હતી જે અંતર્ગત ગાંધીનગર જિલ્લાના ૩૦૨ ગામોમાં પણ ખેતી ક્ષેત્રે વિકાસ, શિક્ષણ, રોજગારીની તકો, આરોગ્ય અને સેવા તથા શહેરીકરણના પાંચ મુદ્દાને લઇને પણ સભા મળી હતી જેમાં આગામી વર્ષ ૨૦૩૨માં કયા ક્ષેત્રે ગ્રામજનો વધુ વિકાસ ઇચ્છી રહ્યા છે તે અંગે ખાસ સર્વે પણ કરવામાં આવ્યો હતો.

આ સર્વે પ્રમાણે ગાંધીનગર જિલ્લાના ૩૦૨ ગામોમાંથી ૧૩૨ ગામના રહિશો શિક્ષણને પોતાની પ્રથમ પ્રાયોરીટી આપી છે. જ્યારે મોટાભાગના ગ્રામજનોએ શહેરીકરણની વાતને પાંચમાં અને છેલ્લા મુદ્દા તરીકે જ અપનાવ્યો છે. એટલે કે, ગાંધીનગર જિલ્લાના ગ્રામજનો શહેરીકરણ કરતા શિક્ષણને વધુ પ્રાધાન્ય આપે છે અને આ ક્ષેત્રે વિકાસ ઇચ્છી રહ્યા છે.

કેન્દ્ર સરકાર દ્વારા આગામી વર્ષના પ્લાનીંગના ભાગરૃપે ખાસ સર્વે હાથ ધરાયો હતો. જેમાં દેશના તમામ રાજ્યોના દરેક જિલ્લાના ગામોમાં એક સાથે એક જ સમયે એટલે કે, પ્રજાસત્તાક દિન અને તા.૨૬મી જાન્યુઆરીએ ગ્રામસભા યોજવામાં આવી હતી.

વર્ષ ૨૦૩૨ના વિઝનના ખાસ મુદ્દા સાથે મળેલી આ ગ્રામસભા નિમિત્તે ગાંધીનગર જિલ્લામાં પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી અને અધિકારી તથા કર્મચારીઓને ગામોની જવાબદારી સોંપી હતી આ અધિકારી અને કર્મચારીઓએ જિલ્લાના તમામ ૩૦૨ ગામોમાં ગ્રામસભા કરી હતી. એટલુ જ નહીં, આ વિઝન ૨૦૩૨ પ્રમાણે ખેતીનિર્માણ, શિક્ષણ, ગ્રામ્યવિસ્તારમાં રોજગારીની તકો, આરોગ્ય અને તેની સેવાઓ તથા શહેરીકરણ એમ પાંચ મુદ્દાઓમાંથી ગ્રામજનો આગામી વર્ષોમાં કયા ક્ષેત્રે વધુ વિકાસ ઇચ્છે છે તેનો સર્વે પણ કરવામાં આવ્યો હતો.

જેમાં મહત્વની બાબતો સામે આવી છે. આ સર્વેનાં આંકડાઓ ઉપર નજર પડે તો સીધો ખ્યાલ આવે છે કે, ગાંધીનગર જિલ્લાના ગ્રામજનોએ શહેરીકરણ અને ખેતીક્ષેત્રે વિકાસ કરતા પણ વધુ વિકાસ શિક્ષણ ક્ષેત્રે ઇચ્છી રહ્યા છે. જેમાં ખાસ કરીને પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધરે તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે વિદ્યાર્થીઓને દુર સુધી ન જવુ પડે તેવી વ્યવસ્થા ગ્રામજનો ઇચ્છી રહ્યા છે. આ ઉપરાંત સરકારી શાળાઓમાં અપતા શિક્ષણાં પણ અંગ્રેજી માધ્યમની સ્કૂલો શરુ કરવા તથા શિક્ષણની સાથે શિષ્યવૃત્તિની રકમ વધારવાની માંગણીઓ પણ ગ્રામસભા દરમિયાન ગ્રામજનોએ કરી હતી.

જ્યારે સેકન્ડ પ્રાયોરીટી એટલે કે, શિક્ષણને પ્રાધાન્ય આપ્યા બાદ આરોગ્ય અને આરોગ્યની સેવાઓ સુદ્રડ બને તેવુ ગ્રામજનો ઇચ્છી રહ્યા છે. જેમાં પ્રસુતિ માટે પણ આજે પણ ગામની ગર્ભવતીને સિવિલ સુધી લાંબુ થવુ પડે છે તે નિંદનીય બાબતની પણ ચર્ચા ગ્રામસભામાં થઇ હતી.

શિક્ષણ, આરોગ્ય બાદ ત્રીજી પ્રાયોરીટી ખેતીવાડી ક્ષેત્રે વિકાસના મુદ્દાને આપી છે.શહેરીકરણના વધતા જતા વ્યાપને કારણે ખેતરો તૂટી રહ્યા છે ત્યારે ખેતીમાંતી ગ્રામજનોને રસ ઉડતો જાય છે તે બાબત આ સર્વે પ્રમાણે પુરવાર થાય છે. ખેતીનો વિકાસ ઓછો થવાની સાથે ગ્રામજનો ગ્રામ્યકક્ષાએ રોજગારીની તકો ઉભી થાય તે મુદ્દાને ચોથી અને છેલ્લેથી બીજી કક્ષામાં મુક્યા છે.

જ્યારે ગામડાઓ તૂટે અને શહેરીકરણ વધે તે મુદ્દાને મોટાભાગના ગ્રામજનોએ છેલ્લી અને પાંચમી કક્ષામાં મુક્યો છે. ૩૦૩ ગામોમાંથી ૨૩૩ ગામોએ શહેરીકરણના આ મુદ્દાને છેલ્લે જ્યારે ૧૩૨ ગામોએ શિક્ષણના મુદ્દાને પ્રથમ પ્રાધાન્ય આપ્યું છે. ગ્રામસભાના આ સર્વેનો રીપોર્ટ કલેક્ટરને આપવામાં આવશે અને ત્યાર બાદ આ રીપોર્ટ કેન્દ્ર સરકારના ગ્રામવિકાસ વિભાગમાં પહોંચાડવામાં આવશે.આ સર્વે પ્રમાણે હવે ગ્રામવિકાસ વિભાગ નવી યોજનાઓ બનાવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x