ખ-માર્ગનું અધુરું મુકી દેવાયેલું કામ મોટો અકસ્માત નોતરશે!
ગાંધીનગર, તા.1 ફેબ્રુઆરી 2017, બુધવાર
રાજયના પાટનગર ગાંધીનગરમાં ગત જાન્યુઆરી મહિનામાં વાઈબ્રન્ટ સમિટની ઝાકમઝોળ બતાવવા માટે રાતોરાત કામ હાથ ધરાયા હતાં. જેમાં ઘણાં કામો અધુરાં પણ મુકી દેવાયા હતા. તેમાં મહાત્મા મંદિરને અડીને આવેલા ખ-માર્ગનો પણ સમાવેશ થાય છે. આ માર્ગને ફોરમાંથી સિક્સ લેન બનાવવાનું કામ રાતોરાત શરૃ કરાયું હતું. જેના કારણે આ માર્ગ ઉપર સ્ટ્રોમ વોટર લાઈનનું લેવલ ઉંચુ નહીં કરાતાં અડધા ફુટ ઉંડા ખાડા રહી ગયા છે જે ગમે ત્યારે મોટો અકસ્માત નોતરશે. કોઈ હિતેચ્છુએ આ ખાડાઓમાં વૃક્ષની ડાળીઓ કાપી મુકી દીધી છે જેનાથી વાહનચાલકોને સંભવિત અકસ્માતથી બચાવી શકાય પરંતુ તે કેટલા સમય સુધી રહેશે તે પણ કહેવું મુશ્કેલ છે.
ગાંધીનગરમાં ગત જાન્યુઆરી મહિનામાં આઠમી ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટ યોજાઈ હતી. જેમાં દેશના વડાપ્રધાનથી લઈ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા. જેના કારણે શહેરમાં ઝાકમઝોળ ઉભી કરી દેવામાં આવી હતી. એટલું જ નહીં ઘણાં કામો તો રાત્રે જ શરૃ કરાયા હતા જે દિવસ ઉગતાંની સાથે જ પૂર્ણ થઈ ગયા હતા. નગરજનો પણ આવા કામો જોઈ ચોંકી ઉઠયા હતા.
ત્યારે મહાત્મા મંદિરને અડીને આવેલા ખ-માર્ગનું ફોરમાંથી સિક્સ લેન કરવાનું કામ ગોકળગતિએ ચાલતું હતું પરંતુ વાઈબ્રન્ટ સમિટ નજીક આવતાંની સાથે જ રાતોરાત આ કામને ઝડપથી પૂર્ણ કરવા માટે દોડધામ શરૃ થઈ ગઈ હતી.
એટલું જ નહીં ખ-૦થી ખ-પ સુધી સિકસ લેનનું કામ કરાયું અને આગળના માર્ગનું કામ અધુરુ મુકી દેવાયું. તેમાં પણ ખ-૦થી ખ-પ સુધી આ માર્ગને સમાંતર સ્ટ્રોમ વોટર લાઈનનું લેવલ પણ સાચવવામાં આવ્યું નહીં અને તેનાથી ઉંચો માર્ગ બનાવી દેવામાં આવતાં અડધા ફુટ ઉંડા ખાડા રહી ગયા છે. જે વાઈબ્રન્ટ સમિટ વખતે યથાવત હતા અને હાલમાં પણ આ ખાડા યથાવત છે.
વાઈબ્રન્ટ સમિટ પૂર્ણ થતાંની સાથે જ આ રોડને જોવા માટે પણ કોઈ અધિકારીઓ તસ્દી લેતાં નથી. હાલ તો આ ખાડાઓ અકસ્માત નોતરી રહયા છે. ત્યારે કોઈ હિતેચ્છુ વાહનચાલકે વૃક્ષની ડાળીઓ કાપીને ખાડા ઉપર લગાડી ડેન્જર ઝોન બતાવવાનો પ્રયાસ કર્યો છે.
પણ તંત્રના અધિકારીઓને આ ડેન્જર ઝોન ક્યારે દેખાશે તે ખબર નથી. જો સમયસર આ સ્ટ્રોમ વોટર લાઈનનું લેવલ કરવામાં નહીં આવે તો રાત્રી દરમ્યાન આ માર્ગ ઉપર કોઈ મોટો અકસ્માત સર્જાવાની શકયતાને પણ નકારી શકાતી નથી.