આજે મહાનગરપાલિકાનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડીંગ કમિટિમાં રજૂ થશે
ગાંધીનગર,
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આગામી વર્ષમાં થનારા વિકાસ કામો માટે એકશન પ્લાન બનાવવામાં આવ્યો છે જે અંતર્ગત નવા વર્ષ ૨૦૧૭-૧૮નું ડ્રાફ્ટ બજેટ આવતીકાલે બપોરે ત્રણ કલાકે મ્યુનિ.કમિશનર સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરશે ત્યારબાદ સ્થાયી સમિતિ સુધારા વધારા સાથે આ બજેટને સામાન્ય સભામાં મોકલી આપશે. આ બજેટ ૨૫૦ કરોડની આસપાસ રહેવાનો અંદાજ છે. જેમાં શહેરના વિકાસને લગતાં નવા પ્રોજેકટોનો પણ સમાવેશ કરાયો છે.
કેન્દ્ર સરકાર નવા વર્ષનું બજેટ જાહેર કરી દેવામાં આવ્યું છે ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાનું પણ ડ્રાફટ બજેટ તૈયાર થઈ ગયું છે જે આવતીકાલે શુક્રવારે મ્યુનિ.કમિશનર સ્થાયી સમિતિ સમક્ષ આ બજેટ રજૂ કરશે. બપોરે ત્રણ વાગે આ બજેટ રજૂ થયા બાદ સ્થાયી સમિતિ તેનો અભ્યાસ કરશે અને ત્યારબાદ જરૃરી સુધારા વધારા સાથે તેને મંજુરી માટે સામાન્ય સભામાં મોકલવામાં આવશે. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી ભાજપ શાસિત કોર્પોરેશનનું આ બજેટ રાહત આપનાર પણ બની રહે તેટલું જ નહીં શહેરમાં નવા મોટા વિકાસ કામોની આ બજેટમાં જાહેરાત કરવામાં આવી શકે તેમ છે.
નોંધવું રહેશે કે કોર્પોરેશનનું બજેટ તૈયાર થાય છે પરંતુ સરકાર પાસેથી જમીન નહીં મળવાના કારણે બજેટમાં કરવામાં આવતી જોગવાઈઓ પુરી થઈ શકતી નથી માટે આ વખતના બજેટમાં સરકાર પાસેથી જમીન મળી શકે તેવા જ વિકાસ કામોની જાહેરાત કરવામાં આવે તેવું લાગી રહયું છે. આ વખતનું બજેટ ૨૫૦ કરોડની આસપાસનું રહેશે તેવો અંદાજ લગાવાઈ રહયો છે જેમાં સ્થાયી સમિતિ પણ વધારાના કામો સૂચવશે જેથી બજેટ ર૭૫ કરોડ જેટલું થઈ જશે તેમ લાગી રહયું છે.