ગાંધીનગરગુજરાત

સરગાસણમાં રહેણાંક અને કુડાસણમાં કોમર્શિયલ પ્લોટોની હરાજી થશે

ગાંધીનગર :
ગાંધીનગર મહાનગરપાલિકાનું વિસ્તરણ કરીને આસપાસના ૧૮ ગામો અને પેથાપુર પાલિકા સમાવી લેવામાં આવી છે ત્યારે ગુડા હસ્તક રહેલા આ વિસ્તારને હવે કોર્પોરેશનને સોંપવા માટે નિર્ણય લેવાયો છે. આજે મળેલી બોર્ડ બેઠકમાં આ ૧૮ પૈકી ૧૧ ગામ અને પેથાપુર પાલિકાનો વિસ્તાર કોર્પોરેશનને સોંપવા માટે ઠરાવ થયો હતો. જે સંદર્ભે રાજય સરકાર આ બાબતે નિર્ણય લેશે. એટલું જ નહીં ગુડા હસ્તક રહેલા સરગાસણમાં એક રહેણાંક અને કુડાસણમાં એક કોમર્શિયલ પ્લોટનું ઈ-હરાજીથી વેચાણ કરવાનું નક્કી થયું છે તો કોર્પોરેશન વિસ્તારનું રેઈન બસેરા બનાવા માટે વાવોલની ટીપી-૧૩માં જગ્યા ફાળવવામાં આવનાર છે.
ગાંધીનગર મહાનગરપાલિકાનું થોડા મહિના વિસ્તરણ કરી દેવામાં આવ્યું હતું. જેમાં ગાંધીનગરની આસપાસના ૧૮ ગામો અને પેથાપુર પાલિકા વિસ્તારને કોર્પોરેશનમાં ભેળવી દેવામાં આવ્યો હતો. ખાસ કરીને ન્યુ ગાંધીનગર એટલે કે રાયસણ, કુડાસણ, કોબા, સરગાસણ, રાંદેસણ જેવા ગામો કે જયાં ગુડા દ્વારા ટાઉન પ્લાનીંગ સ્કીમ અને ગામતળની જગ્યામાં પણ વિવિધ વિકાસ કામો કરવામાં આવતા હતા તે વિસ્તાર કોર્પોરેશનમાં ભળી જવાના કારણે આ તમામ બાબતોનું સંચાલન કોર્પોરેશને સોંપી દેવા ઘણા દિવસોથી મથામણ ચાલી રહી હતી ત્યારે આજે ગુડાની મળેલી બોર્ડ બેઠકમાં આ ૧૮ ગામો પૈકી ૧૧ ગામોનો વિસ્તાર અને પેથાપુર પાલિકા આસપાસનો વિસ્તાર કોર્પોરેશનને સોંપી દેવા વિધિવત ઠરાવ કરવામાં આવ્યો હતો. જેથી આગામી સમયમાં આ ઠરાવ સંદર્ભે રાજય સરકાર નિર્ણય લઈ લેશે. એટલે કોર્પોરેશન દ્વારા હવે ન્યુ ગાંધીનગરનો સંપૂર્ણ વહીવટ સંભાળી લેવામાં આવશે. ટાઉન પ્લાનીંગ સ્કીમોમાં બાંધકામ પરવાનગીથી લઈ બીયુ સુધીની મંજુરીઓ કોર્પોરેશન દ્વારા આપવામાં આવશે તો આ બોર્ડ બેઠકમાં ગુડા હસ્તક રહેલા સરગાસણમાં એક રહેણાંક પ્લોટ અને કુડાસણમાં એક કોમર્શિયલ પ્લોટની ઈ-હરાજી કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.
રહેણાંક પ્લોટ માટે તળીયાની કિંમત ૬૦ હજાર અને કોમર્શિયલ પ્લોટ માટે ૮૦ હજાર નક્કી કરવામાં આવ્યા છે. કોર્પોરેશનમાં સમાવિષ્ટ આ ૧૧ જેટલા ગામોમાં ટાઉન પ્લાનીંગ સ્કીમ અંતર્ગત ૪૭ જેટલા નાના મોટા પ્લોટ ગુડા હસ્તક છે જે પણ ઠરાવ કરીને કોર્પોરેશનને સોંપવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે જેથી કોર્પોરેશન દ્વારા આ વિસ્તારોમાં બાગ બગીચા સહિત અન્ય કામો હાથ ધરવામાં આવશે. અગાઉ કોર્પોરેશન દ્વારા કુડાસણ ખાતે રેઈન બસેરા બનાવવાનું હતું જે માટે ગુડા દ્વારા જગ્યા ફાળવવામાં આવી હતી પરંતુ અહીં સ્થાનિકોનો વિરોધ થતાં કામ બંધ કરી દેવામાં આવ્યું હતું ત્યારે વાવોલની ટીપી-૧૩માં ગુડા દ્વારા કોર્પોરેશનને રેઈન બસેરા બનાવવા માટે જગ્યા ફાળવવા આ બેઠકમાં નક્કી કરાયું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x