ધુમ્મસ: 142 તાલુકામાં કમોસમી વરસાદ, વાસદામાં 1 ઇંચ જેટલો વરસાદ
ગુજરાતમાં આજે વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરનો ત્રીજો દિવસ છે. ત્રણ દિવસના વાતાવરણમાં પલટાની આગાહી વચ્ચે આજે સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં રાજ્યના ૨૮ તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો છે. જેમાં નવસારીના વાંસદામાં સૌથી વધુ 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. તો ડાંગના વઘઈમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો નોંધાયો છે. તો બીજી તરફ, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 142 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. હવામાન ખાતાની આગાહી મુજબ, ગુજરાતમાં 10 થી 12 ડિસેમ્બર સુધી વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર હેઠળ વાતાવરણમાં પલટો આવ્યો છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લૉ પ્રેશર સક્રિય થયું હોવાથી ઉત્તરથી લઈને દક્ષિણ ગુજરાત સુધીના ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં કાળાડિબાંગ વાદળો છવાઈ ગયા છે. શુક્રવારે ગુજરાતના 136 તાલુકામાં માવઠું પડ્યું હતું. હવે 2 દિવસ બાદ ગુજરાતમાં ઠંડીનું જોર વધશે. 2 દિવસ પછી 3થી 4 ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાશે. હજુ બે દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે અને આવતીકાલે કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે. હવામાનના પલટાની સીધી અસર ખેડૂતો પર પડી છે. ખેતરોમાં ઉભો પાક અને યાર્ડમાં પડેલો માલ પલળતાં ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે.
વડોદરાના પાદરા તાલુકામાં માવઠાના કારણે ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. વરસાદના કારણે કપાસ, ડાંગર, તુવેર સહિતના પાકને નુકસાન થયું છે. ખેડૂતોએ સરકાર પાસે સહાયની માગ કરી છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં મેઘ મહેર જોવા મળ્યા પછી અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવાં શહેરોમાં ધીમી ધારે વરસાદ પડ્યો છે. ત્યારે પાદરા પંથકમાં વરસાદના પગલે ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયુ છે. પાદરાના વિવિધ ગામોમાં કપાસની ખેતી કરતા ખેડૂતોના પાકને ભારે નુકશાન થવા પામ્યું છે.