દહેગામ ખાતે સરપંચો અને ઉપસરપંચોનો સન્માન સમારંભ યોજાયો
ગાંધીનગર
ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે તાલુકાના ૮૧ જેટલા સરપંચો અને ૭૫ જેટલા ઉપસરપંચોનો સન્માન સમારંભ દહેગામના ધારાસભ્યશ્રીમતી કામીનીબા રાઠોડના અધ્યક્ષ સ્થાને તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી સૂર્યસિંહ ડાભીના મુખ્ય મહેમાન પદે યોજાયો હતો. તેવું દહેગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખશ્રી બાબુસિંહ ઝાલા તેમજ દહેગામ શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી ભૂપેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યુ હતું
દહેગામ તાલુકાના ધારાસભ્યશ્રીના કાર્યાલય ખાતે નવનિર્વાચિત ૮૪ જેટલા સરપંચો તથા ૯ જેટલાં વર્તમાન સરપંચશ્રીઓ સહિત કુલ ૯૩ જેટલા ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓને સન્માનવાનો કાર્યક્રમ દહેગામ તાલુકા કોંગ્રેસના ઉપક્રમે યોજાયો હતો. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ ધારાસભ્યશ્રી દ્વારા ૮૧ જેટલા સરપંચો અને ૭૫ જેટલા ઉપસરપંચોને પુષ્પગુચ્છ,મોમેન્ટો અને પ્રમાણપત્રો આપીને ૧૫૬ જેટલા સરપંચો-ઉપસરપંચોનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો.
સન્માન સમારંભનો પ્રતિભાવ આપવા સરપંચશ્રી અરૂણાબેન પટેલ તેમજ સુહાગ પંચાલે પોતાનું સન્માન કરવા બદલ કોંગ્રેસ પક્ષ અને ધારાસભ્યશ્રીનો આભાર માનીને ગ્રામ વિકાસના કાર્યો કરવાની ખાત્રી ઉચ્ચારી હતી. મુખ્ય મહેમાન પદેથી બોલતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે મહાત્મા ગાંધીજી સ્થાનિક સ્વરાજ્યની અને સુરાજ્યની વાત કરતા ગામને નગરમાં ફેરવવા માટે પાયાની તેમજ માળખાગત સુવિધાઓ ગામને મળે તે માટે કોંગ્રેસ શાસિત તાલુકા-જિલ્લા પંચાયતમાંથી વધુમાં વધુ નાણાંકીય સહાય પ્રાપ્ત થાય તેવા સંનિષ્ઠ પ્રયાસો કરવા હાકલ કરી હતી. જેમાં કોંગ્રેસ પક્ષ તમામ પ્રકારની કામગીરીમાં સહાયરૂપ થશે તેવું જણાવ્યું હતું. અધ્યક્ષ સ્થાનેથી ધારાસભ્યશ્રીમતી કામીનીબા રાઠોડે ધારાસભ્ય ફંડ ઉપરાંત રાજય અને કેન્દ્રની અનેકવિધ ગ્રાન્ટો અન્વયે તમામ વિકાસ કાર્યો કરવા માટે જરૂરી ફંડ પુરુ પાડવામાં આવશે તેવી ખાત્રી ઉચ્ચારી હતી. ઉપસ્થિત સૌ સરપંચશ્રીઓને સન્માન સાથે વિકાસના કામોની ગતિ તેજ કરવા સૌ આગેવાનો સક્રિય થાય તેવા સંકલ્પ સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા કરાયેલ સન્માન બદલ આભારની લાગણી પ્રકટ કરી હતી. તેવું જિલ્લા કોંગ્રેસની અખબારી યાદીમાં મહામંત્રીશ્રી વખતસિંહ ચૌહાણે જણાવ્યું હતું.