ગાંધીનગર: કેનાલ કાંઠેથી બાઇક પાસે યુવક અને યુવતીનાં ચપ્પલ મળ્યાં, શોધખોળ શરૂ
ગાંધીનગર:રવિવારે સવારે રાયપુર ગામ પાસે કેનાલ કાંઠેથી બિનવારસી બાઇક તથા યુવક અને યુવતીનાં ચપ્પલ મળતા બંને કેનાલમાં કુદ્યા હોવાની આશંકા સાથે બહિયલનાં તરવૈયાઓ દ્વારા કેનાલમાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પોલીસે બાઇક નંબરનાં આધારે તપાસ કરતા તે દહેગામનાં અમરાભાઇનાં મુવાડાનાં યુવાનનું હોવાનું સામે આવ્યુ હતુ.
રાયપુરનાં સ્થાનિક સુત્રોનાં જણાવ્યાનુંસાર રવિવારે સવારે સ્થાનિક નાગરીકે કેનાલ પાસે બાઇક તથા પાસે યુવક અને યુવતીની ચપ્પલની જોડી જોતા પોલીસને જાણ કરી હતી. પોલીસે બાઇકનાં નંબર નોંધીને આ દિશામાં તપાસ કરતા બાઇક દહેગામ તાલુકાનાં જ અમરાભાઇનાં મુવાડાનાં યુવાનનું હોવાનું સામે આવ્યુ હતુ. જેના પરથી યુવક તથા યુવતી કેનાલમાં કુદ્યા હોવાની આશંકા સેવાઇ રહી છે.
પરંતુ કોઇએ કુદતા જોયા નથી. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા અમરાભાઇનાં મુવાડાથી રાત્રે આ યુવક તથા યુવતી નિકળ્યાનું જાણવા મળ્યુ છે. ત્યારે પોલીસે બંને કેનાલમાં કુદ્યા હોવાની આશંકા તેમનાં પરીવારજનોને જાણ કરતા કેનાલ પર દોડી આવ્યા હતા અને બહિયલનાં તરવૈયાઓની મદદથી બંનેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.