ગાંધીનગર

રાજ્યમાં આગામી 11 મી જાન્યુઆરીથી ધોરણ-10 અને 12 તથા સ્નાતક-અનુસ્નાતકના છેલ્લા વર્ષનું શૈક્ષણિક કાર્ય ચાલુ કરાશે : શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા

ગાંધીનગર :

11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની શાળાઓ ખોલવા અંગેનો નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવાયો હોવાની જાહેરાત આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કરી હતી. કેન્દ્ર સરકારની કોરોનાની ગાઈડલાઈન્સ મુજબ, શાળાઓ શરૂ કરવા માટે રાજ્ય સરકારે તૈયારીઓ શરૂ કરી લીધી છે. જાન્યુઆરી ધોરણ 10 અને 12, પીજી અને છેલ્લા વર્ષના કોલેજના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારે જાહેર કરેલી SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે
શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી 11 મી જાન્યુઆરી-2021થી ધોરણ-10 અને 12 તથા સ્નાતક-અનુસ્નાતકના છેલ્લા વર્ષનું શૈક્ષણિક કાર્ય ચાલુ કરાશે. મુખ્યમંત્રી રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષસ્થાને મળેલ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ અંગે ચર્ચા વિચારણા બાદ રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. આ અંગેની વધુ વિગતો આપતા શિક્ષણ મંત્રીએ ઉમેર્યું કે આ નિર્ણય રાજ્યના તમામ બોર્ડને લાગુ થશે. જેમાં સરકારી શાળાઓ, ગ્રાન્ટ ઇન એઇડ-સ્વનિર્ભર સંસ્થાઓ તથા સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ હસ્તકની સંસ્થાઓને લાગુ પડશે. શાળા કોલેજો એ કોરોના સંક્રમણને રોકવા માટે કેન્દ્ર સરકારે જાહેર કરેલી SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. એ માટેની તમામ સૂચનાઓ શિક્ષણ વિભાગ દ્વારા તમામ સંસ્થાઓને મોકલી આપવામાં આવી છે તેમ ચુડાસમા એ કહ્યું હતું.

કોરોના સંક્રમણને રોકવા માટેની અન્ય વ્યવસ્થાઓ કરવી પડશે
શાળામાં સ્વચ્છતા સહિતની કોરોના સંક્રમણને રોકવા માટેની અન્ય વ્યવસ્થાઓ ગોઠવવા સંચાલકઓએ અધિકારીઓના સંકલનમાં રહીને શાળામાં થર્મલ ગન વગેરેની વ્યવસ્થા કરવાની રહેશે. આ માટે સ્થાનિક કક્ષાએ આચાર્ય અને શિક્ષકોએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર સાથે સંકલન કરીને યોગ્ય આયોજન કરવાનું રહેશે. શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ફરજીયાત રહેશે નહીં.

શાળામાં જવા માટે વિદ્યાર્થીઓએ વાલીની સંમતિ લેવી જરૂરી છે
શાળાએ આવતા વિદ્યાર્થીઓએ પોતાના વાલીની સંમતિ લઇને પત્રકમાં મંજૂરી આપવાની રહેશે.આ માટેના જરૂરી ફોર્મ શાળાઓને મોકલી આપવામાં આવ્યા છે એમ શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું.ઉપરાંત હાલ રાજ્યમાં જે ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તે રાબેતા મુજબ ચાલુ રહેશે. વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે નહીં.શાળામાં જેટલું શૈક્ષણિક કાર્ય થશે એટલા જ શૈક્ષણિક કાર્યની પરીક્ષા લેવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું. અન્ય ધોરણ ના વર્ગો ક્યારે શરૂ કરવા તે અંગે પણ રાજ્ય સરકાર દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે અને તે અંગે પણ ટૂંક સમયમાં નિર્ણય લેવાશે.

સ્કૂલો અને વાલીઓએ આ બાબતોનું ધ્યાન રાખવું પડશે

  • સ્કૂલ-કોલેજો શરૂ કરતાં પહેલાં દરેક સંકુલમાં સ્વચ્છતા-સફાઇ સુવિધા કરવી પડશે.
  • વિદ્યાર્થીઓનું થર્મલગનથી ચેકિંગ, સેનિટાઇઝર અને હાથ ધોવા માટે સાબુની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે.
  • વર્ગખંડોમાં અને શાળા-કોલેજ સંકુલમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાવું જોઈએ. એટલું જ નહિ, માસ્કનો ફરજિયાત ઉપયોગ થવો જોઈએ.
  • સ્કૂલ-કોલેજથી નજીકના અંતરે મેડિકલ સેવાઓ ઉપલબ્ધ હોય એની પણ ખાતરી કરવી પડશે.
  • ભારત સરકારની SOPને અનુસરતાં રાજ્યમાં શાળા-કોલેજો દ્વારા જે ઓનલાઇન એજ્યુકેશન વ્યવસ્થા કરવામાં આવી છે એ યથાવત્ રહેશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x