ગાંધીનગરગુજરાત

ગાંધીનગરમાં એક વર્ષથી બંધ થયેલી રેલ્વે સુવિધા પુનઃ શરૂ થશે

ગાંધીનગર :
કેપિટલ રેલ્વે સ્ટેશનના નવીનિકરણની સાથે સાથે ફાઇવસ્ટાર હોટલના નિર્માણની કામગીરીના ભાગરૂપે છેલ્લા એક વર્ષથી ટ્રેન સુવિધાથી શહેરના મુસાફરો વંચિત રહ્યા હતાં. આમ ટ્રેનો પુનઃ શરૂ થાય તે માટે છેલ્લા ઘણા સમયથી રજુઆતો પણ કરવામાં આવી હતી. ત્યારે તંત્ર દ્વારા અમદાવાદથી ઉપડતી હરિદ્વાર – ઋષિકેશની ટ્રેનને રેલ્વે સ્ટેશનેથી પસાર થવા માટેની મંજુરી આપી દેવામાં આવી છે. આમ અન્ય ટ્રેનોને પણ સત્વરે શરૂ કરવામાં આવે તેવી માંગ પણ કરાઇ છે.
પાટનગરમાં આવેલાં કેપિટલ રેલ્વે સ્ટેશન ઉપર ફાઇવસ્ટાર હોટલ બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. તો રેલ્વે સ્ટેશનના નવીનિકરણની કામગીરી પણ શરૂ કરાઇ હતી. જેના ભાગરૂપે ગાંધીનગર રેલ્વે સ્ટેશનેથી અવર જવર કરતી તમામ ટ્રેનોને બંધ કરવામાં આવી હતી. છેલ્લા એક વર્ષથી ટ્રેનોની અવર જવર બંધ થવાના કારણે શહેરના મુસાફરોને પણ ટ્રેનની સુવિધાથી વંચિત રહેવાની નોબત આવી હતી. ત્યારે શહેર વસાહત મહામંડળ દ્વારા રેલ્વે તંત્ર સમક્ષ અવાર નવાર રજુઆતો કરવામાં આવી હતી. તો હોટલનું નિર્માણ કાર્ય પુર્ણ થઇ જવા છતાં ટ્રેન માટે ક્લીયરન્સ ન આપતાં ગાડીઓની અવર જવર થઇ શકતી ન હતી.
ત્યારે મંડળ દ્વારા પુનઃ રજૂઆત કરાતાં તંત્રએ અમદાવાદથી ઉપડતી હરિદ્વારની ટ્રેનને વાયા ગાંધીનગર થઇને દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હરિદ્વારથી ઋષિકેશ જતી આ ટ્રેનની સુવિધાનો લાભ શહેરના મુસાફરોને મળી શકશે. સોમવારથી આ ટ્રેન નિયમીત અવર જવર કરશે. તો બીજી તરફ ઇન્દોર, ગરીબરથ, ભાવનગર, આણંદ, દાહોદની બંધ થયેલી ટ્રેનોને પણ પુનઃ શરૂ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે ત્યારે ગાંધીનગર રેલ્વે સ્ટેશનના નવીનિકરણની સાથે સાથે ટુંક સમયમાં હોટલનું પણ ઉદ્ઘાટન કરાશે. આમ નગરજનોને વધુ ટ્રેનોનો લાભ મળી શકે તે માટે ખોડીયારથી કલોલ જતી ટ્રેનોને વાયા ગાંધીનગર થઇને દોડાવવામાં આવે તેવી રજૂઆત પણ કરાઇ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x