Uncategorized

રાજ્યમાં પ્રથમ દિવસે 50 ટકાથી ઓછી સ્કૂલો ખૂલી

કોરોનાકાળમાં અંતે 9 મહિના બાદ રાજ્યમાં સોમવારથી સ્કૂલો વિદ્યાર્થીઓ માટે ખૂલી હતી અને ધો.10-12ના વિદ્યાર્થીઓને સ્કૂલોમાં શિક્ષણ માટે બોલાવવામા આવ્યા હતા. ક્લાસમાં શિક્ષકો સામે ભણી અને મિત્રોને મળીને વિદ્યાર્થીઓના ચહેરા પર અનેરો આનંદ દેખાતો હતો. જ્યારે શિક્ષકોને પણ વિદ્યાર્થીઓને ભણાવીને ભારે ખુશી થઈ હતી. વાલીઓમાં રાહતનો અહેસાસ અને સ્કૂલોમાં ઉત્સાહ દેખાયો હતો. પ્રથમ દિવસે રાજ્યમાં એકંદરે 50 ટકાથી ઓછી સ્કૂલો ખૂલી હતી અને વિદ્યાર્થીઓની હાજરી 40 ટકાથી વધુ નોંધાઈ હતી.કોરોનાને લીધે ગત માર્ચથી રાજ્યમાં સ્કૂલો બંધ હતી. રાજ્યમાં કોરોનાની સ્થિતિ ઘણે અંશે કાબૂમાં આવી જતાં અને દૈનિક કેસોમાં પણ ભારે ઘટાડો નોંધાતાં સરકારની મંજૂરી બાદ અંતે સોમવારે ધો.10 -12ની સ્કૂલો ખૂલી હતી. બોર્ડ પરીક્ષાનાં ફોર્મ ભરવાનાં હોવાથી તેમજ ફાઈનલ બોર્ડ પરીક્ષા પહેલાં થોડું કલાસ રૂમ શિક્ષણ આપવું પડે અને સાયન્સના સ્ટુડન્ટસને પ્રેક્ટિકલ કરાવવું પડે એમ હોવાથી સ્કૂલો ખોલવી પણ હવે જરૂરી હતી. વાલીઓમાં થોડો ખચકાટ હતો, પરંતુ તેમ છતાં મોટા ભાગના અનેક વાલીઓએ બાળકોને સ્કૂલે મોકલવા સંમતિ આપી હતી.અમદાવાદ, સુરત,રાજકોટ, વડોદરા સહિતનાં મોટાં શહેરોની ખાનગી સ્કલોમાં 70 ટકા અને ઘણી સ્કૂલોમાં તો 75 ટકાથી વધુ હાજરી નોંધાઈ હતી. જોકે ઓવરઓલ રાજ્યની તમામ સરકારી,ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોમાં 40 ટકાથી વધુ હાજરી નોંધાઈ હતી, જ્યારે 50 ટકાથી ઓછી સ્કૂલો આજે પ્રથમ દિવસે ખૂલી હતી. સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રથમ દિવસે તમામ જિલ્લામાંથી મગાવાયેલા આંકડાના રિપોર્ટ મુજબ, ધો.10માં કુલ 1381 સરકારી સ્કૂલોમાંથી 716 ખૂલી હતી અને જેના 31728 વિદ્યાર્થીમાંથી 12316 વિદ્યાર્થી હાજર રહ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x