Uncategorized

સુપ્રીમ કોર્ટે કૃષિ કાયદા પર લગાવી રોક, નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ કોર્ટના નિર્ણયને આવકાર્યો.

ગાંધીનગર :
કેન્દ્રની અભિમાની ભાજપ સરકારે ગેર બંધારણીય રીતે લોકસભા અને રાજ્યસભામાં પસાર કરેલા કૃષિ કાનુનોને લાગુ કરવા સામે સુપ્રીમ કોર્ટે સ્ટે આપીને આ કાયદાઓ ગેરબંધારણીય રીતે લાગુ કરવામાં આવ્યા હતા તેની ઉપર મંજૂરીની મહોર મારી હોવાનું વિરોધપક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણીએ જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઉત્પાદક અને ઉપભોક્તા વિરોધી આ કાયદા પાછા ખેંચવાની કિસાનોને માગણીને કોંગ્રેસે ટેકો આપ્યો છે અને હવે કોંગ્રેસ આ મુદ્દો ગામડાથી લઈને ગલી સુધી લઈ જઈને લડત આપશે.
વિપક્ષ નેતાશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની સરકાર મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને માલામાલ કરવા માટે આ દેશની સંસદમાં ઉપલા ગૃહમાં બહુમતી ન હોવા છતાં અસંવિધાનિક રીતે પસાર કરેલા ખેડૂત વિરોધી-દેશ વિરોધી કાયદાઓ ઉપર નામદાર સુપ્રીમ કોર્ટે આજે રોક લગાવી છે. કમનસીબે લોકો દ્વારા ચૂંટાયેલી સરકાર દ્વારા લોકો વિરોઘી, દેશ વિરોધી કાળા કાયદાઓ અસંવિધાનિક પરંપરાને અનુસરીને પસાર કરીને મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને માલામાલ કરવાનું ષડયંત્ર રચ્યું હતું તેના ઉપર નામદાર કોર્ટે લગાવેલી રોક એ હું માનું છું કે પર્યાપ્ત નથી. આ કાયદાઓથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ એ ભૂતકાળ બની જવાના છે, ખેત ઉત્પાદનો પાણીના ભાવે લુંટાવાના છે, નફાખોરી અને મોંઘવારી સતત વધવાની છે, મોટી કંપનીઓ ખેડૂતને છેતરશે, નાના વેપારીઓ બેરોજગાર બનવાના છે, ખેત મજદૂરોનો રોજગાર છીનવાવાનો છે, માર્કેટયાર્ડની જમીનો વેચાઈ જશે, સંગ્રહાખોરી અને કાળાબજારી સમગ્ર દેશમાં હાહાકાર મચાવશે, ખેડૂતો માટે કોર્ટના દરવાજા પણ બંધ થવાના છે ત્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને નોતરું આપનારા આ ત્રણ કાયદાઓ પર નામદાર સુપ્રીમ કોર્ટની રોકને આવકારું છું.
આજે નામદાર કોર્ટે આ કાળા કાયદાઓ ઉપર રોક લગાવી છે પણ આજે લાખો ખેડૂતો પોતાના હક્ક માટે આ કડકડતી ઠંડીમાં 60 દિવસથી રોડ ઉપર અહીંસાના માર્ગે આંદોલન કરી રહ્યા છે તેમ છતાં આ ખેડૂત વિરોધી સરકારના પેટનું પાણી કેમ નથી હાલતું ? એ હવે સમગ્ર દેશવાસીઓના મનમાં સવાલ થાય છે. આવતા દિવસોમાં સરકારને જો થોડી પણ શરમ બચી હોય તો તાત્કાલિક અસરાથી અસંવિધાનિક રીતે પસાર કરેલા ત્રણેય કાળા કાયદાઓ નાબૂદ કરવા જોઈએ એવી વિપક્ષ નેતાશ્રી પરેશ ધાનાણીએ સરકાર સમક્ષ માંગ કરી હતી.
જો સરકાર આ ત્રણેય કાળા કાયદાઓ નાબૂદ નહિં કરે તો આવતા દિવસોમાં ખેડૂતોને પોતાના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ નહિ મળે અને બીજી તરફ ઉપભોકતા એવા ગ્રાહકોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવશે. ત્યારે ઉત્પાદક અને ઉપભોકતાઓને બચાવવા માટે આવતા દિવસોમાં કોંગ્રેસ પક્ષ રાષ્ટ્રીય કક્ષાએ, રાજ્ય કક્ષાએ ભારત બચાવો અભિયાનને ગામોની ગલીઓ સુધી લઇ જશે તેમ અંતમાં વિપક્ષ નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x