અમેરિકામાં એક દિવસમાં ચાર હજાર લોકોનાં મોત, નેધરલેન્ડમાં લોકડાઉન ત્રણ સપ્તાહ વધ્યું
દુનિયામાં કોરોના દર્દીઓનો આંકડો 9.19 કરોડથી વધુ થઈ ગયો છે. 6 કરોડ 80 લાખથી વધુ લોકો સાજા થઈ ચૂક્યાં છે. અત્યાર સુધી 19 લાખ 68 હજારથી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યાં છે. આ આંકડા www.worldometers.info/coronavirus વેબસાઈટ પ્રમાણે છે. CNNએ જોન હોપકિન્સ યૂનિવર્સિટીના હવાલાથી જણાવ્યું છે કે અમેરિકામાં મૃત્યુ પામનારનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. મંગળવારે અહીં ચાર હજાર લોકોના મોત થયા હતા.
અમેરિકામાં જોખમ વધ્યું
અમેરિકામાં વેક્સિનેશન ડ્રાઈવ છતાં સંક્રમણ જ નહીં, મોતનો આંકડો પણ વધી રહ્યો છે. મંગળવારે અહીં લગભગ 4 હજાર લોકોનાં મોત થયાં હતાં. આ માહિતી CNNએ જોન હોપકિન્સ યુનિવર્સિટીના હવાલાથી આપી છે. અમેરિકામાં અત્યારસુધીમાં કુલ 3.89 લાખ નવાં લોકોનાં મોત થયાં છે. મંગળવારે બે લાખ 22 હજારની આસપાસ નવા કેસ નોંધાયા હતા.અમેરિકામાં અત્યારસુધીમાં લગભગ 9 લાખ લોકોને વેક્સિન લગાવવામાં આવી ચૂકી છે.
નેધરલેન્ડમાં લોકડાઉન વધ્યું
નેધરલેન્ડમાં સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે દેશમાં હાલ જે પ્રતિબંધ લાગુ છે એમાં કોઈપણ પ્રકારની ઢીલ આપવામાં આવશે નહીં. સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે લોકોએ નિયમોનું પાલન કરવાનું રહેશે. હેલ્થ મિનિસ્ટ્રીએ હાઈ અલર્ટ ચાલું રાખ્યું છે અને લોકડાઉન ત્રણ સપ્તાહ વધારી દેવાયું છે. સરકારે એક નિવેદનમાં કહ્યું હતું કે એક વાત તો સૌ જાણે છે કે અમારી પાસે હાલ કોઈ બીજો રસ્તો પણ નથી. સંક્રમણ ઘટતું નથી. દેશમાં કોરોના વાઈરસનો નવો પ્રકાર પણ મળી આવ્યો છે, જેથી અમે વધુ ચિંતિત છીએ.
ફ્રાન્સમાં રાહતના સંકેત
ફ્રાન્સ સરકારના પ્રવક્તા ગેબ્રિયલ્સ એટલે કહ્યું હતું કે દેશમાં હવે વધુ લોકડાઉન લાગુ નહીં કરાય. તેમણે યુરોપ 1 રેડિયો સ્ટેશનમાં આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે અમે ઘણા સંયમ સાથે બે લોકડાઉનનું પાલન કર્યું અને કરાવ્યું છે. દેશના લોકોને કારણે જ અમે સ્થિતિ પર કાબૂ મેળવવામાં સફળ રહ્યા છીએ. જોકે હવે વધુ લોકડાઉનની જરૂર નથી, પરંતુ સ્થિતિ વધુ ન બગડે એના માટે હેલ્થ ડિપાર્ટમેન્ટની ગાઈડલાઈન્સનું પાલન જરૂર કરવાનું રહેશે, નહીં તો સ્થિતિ ફરી ખરાબ થઈ શકે છે. ફ્રાન્સ સરકારે મોટે પાયે વેક્સિનેશન પ્રોગ્રામ પણ શરૂ કરી દીધો છે. આ મહિનાના અંત સુધીમાં 20 લાખ લોકોને વેક્સિનેટ કરવાની યોજના છે.