ગાંધીનગર

ગાંધીનગર જિલ્લામાં ભાજપની ડીજે સાથે બાઈક રેલી-નિયમોની ઐસીતૈસી

ગાંધીનગર :
કોરોના કાળ દરમ્યાન વિવિધ જાહેરનામાંઓ જાણે કે સામાન્ય પ્રજા માટે જ પ્રસિધ્ધ થયા હોય તેમ લાગી રહયું છે. ભાજપના નેતા કે કાર્યકરોને આ જાહેરનામાંથી કોઈ જ ફરક પડતો નથી. આજે વિવેકાનંદ જયંતિ અંતર્ગત ભાજપ દ્વારા જિલ્લાના તાલુકા મથકો અને ગાંધીનગર શહેરમાં યુવા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીજે સાથે નીકળેલી આ રેલીમાં કાર્યકરોએ હેલ્મેટ પહેરવાની પણ તસ્દી લીધી નથી. ઉતરાયણમાં ડીજે વગાડવા ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે ત્યારે ભાજપના કાર્યકરોએ કયા નિયમ હેઠળ આ રેલી યોજી તે સમજાતું નથી.
માર્ચ મહિનાથી કોરોના ઉપર કાબુ મેળવવા લોકડાઉન સાથે વિવિધ જાહેરનામાં પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે ત્યારે સોશ્યલ ડીસ્ટેન્સીંગ અને માસ્કના જાહેરનામાં બહાર પાડી સામાન્ય જનતાને કડકાઈથી તેથી અમલવારી માટે ફરજ પાડવામાં આવી રહી છે. માસ્ક ના પહેરવા બદલ હજાર રૃપિયાનો દંડ ઉઘરાવાઈ રહયો છે તો લગ્ન કે મરણ પ્રસંગે પણ મર્યાદિત સંખ્યામાં માણસો ભેગા કરવા માટે પણ જાહેરનામાં પ્રસિધ્ધ કરાઈ ચુકયા છે. એટલું જ નહીં લોકોના સૌથી પ્રિય એવા ઉતરાયણનો તહેવાર આવી રહયો છે ત્યારે સરકારે વધુ એક જાહેરનામું પ્રસિધ્ધ કરીને ડીજે વગાડવા ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો છે પરંતુ આ તમામ જાહેરનામાંઓ ફકત સામાન્ય જનતા માટે જ હોય તેમ લાગી રહયું છે. ભાજપના નેતાઓ કે કાર્યકરોને સરકારના આ જાહેરનામાંથી કોઈ જ ફરક પડતો નથી. એટલું જ નહીં પોલીસે પણ ભાજપના કાર્યકરો કે નેતાઓ સામે પગલાં ભરવાની હિંમત પણ કરી નથી. આજે સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે સમગ્ર જિલ્લામાં યુવા ભાજપ દ્વારા યુવા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસામાં ભાજપના કાર્યકરોએ બાઈક રેલી યોજી હતી. જેમાં ડીજેના તાલે યોજાયેલી આ રેલીમાં કાર્યકરોએ માર્ગો ઉપર બાઈક રેલી દરમ્યાન હેલ્મેટ પહેરવાની પણ તસ્દી લીધી નહોતી. હેલ્મેટ નહીં પહેરનાર સામાન્ય નાગરિક પાસેથી દંડ ઉઘરાવતી પોલીસના સીસીટીવી કેમેરામાં પણ કદાચ આ રેલી નહીં દેખાઈ હોય. છેલ્લા થોડા સમયથી સરકારે જાહેરનામાં પ્રસિધ્ધ કર્યા છે અને આ જાહેરનામાંનું ઉલ્લંઘન કરવા માટે જાણે ભાજપના નેતા અને કાર્યકરોને છુટ આપવામાં આવી હોય તેમ લાગી રહયું છે. હાલ કેન્દ્ર અને રાજયમાં સત્તા ભોગવી રહેલી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે મદમાં રાચી નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરી રહયા છે પરંતુ હાલ તો મુંગા મોેઢે સહન કરતી પ્રજા પણ આ તમાશો જોઈ રહી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x