ગાંધીનગરગુજરાત

સરકારની ધમકીની ઐસી કી તૈસી : 33,000 આરોગ્ય કર્મચારીઓની હડતાલ ચાલુ રહેશે : રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ

ગાંધીનગર :

જ્યાં સુધી અમારી માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી આરોગ્ય કર્મચારીઓની હડતાલ ચાલુ રહેશે. ગમે તે એક્ટ લગાવો રાજ્યભરના 33000 આરોગ્ય કર્મચારીઓ હડતાલમાં જોડાયેલા રહેશે તેમજ ટસના મસ થશે નહી. આરોગ્ય કર્મચારીઓની હડતાલને તોડવા માટે એપીડેમીક ડીસીઝ એક્ટ મુજબ હાજર થવાનો આદેશ આરોગ્ય કમિશ્નરે કર્યો છે.

3 વર્ષથી પોતાના પ્રશ્નોના ઉકેલ માટે સતત 7 વખત આવેદનપત્ર આપવા છતાં જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓના પ્રશ્નો ઉકેલાયા નથી. ત્યારે પડતર પ્રશ્નોના ઉકેલ માટે રાજ્યભરના 33000 હજાર આરોગ્ય કર્મચારીઓએ અચોક્કસ મુદતની હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. જેની સીધી અસર વેક્સિનેશન, કોવિડના સર્વે સહિતની અલગ અલગ 7 પ્રકારની આરોગ્ય સેવાની કામગીરી ઉપર પડી રહી છે. જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓ હડતાળ ઉપર હોવાથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પેટા આરોગ્ય કેન્દ્રોમાં અલગ અલગ આરોગ્ય સેવાઓની કામગીરી હાલમાં અટકી પડી છે. ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાની કોવિશિલ્ડ વેક્સિન આપવામાં આવી રહી છે. ત્યારે હડતાલ ઉપરના આરોગ્ય કર્મચારીઓએ કોવિશિલ્ડ વેક્સિન લેશે નહી અને કોવિશિલ્ડ વેક્સિન આપવાની કામગીરી નહી કરવાની પણ ચીમકી રાજ્યના આરોગ્ય કર્મચારીઓએ ઉચ્ચારી છે.

પંચાયતના આરોગ્યના કર્મચારીઓની હડતાલને તોડી નાંંખવા માટે રાજ્યના આરોગ્ય કમિશનરે એપીડેમીક ડિસીઝ એક્ટ-1897 અંતર્ગત હડતાલ ઉપરના કર્મચારીઓને તાત્કાલિક ફરજ ઉપર હાજર થવાનો આદેશ કર્યો છે. હડતાલ ઉપરના તમામ કર્મચારીઓ બિનશરતી ફરજ ઉપર હાજર નહી થાય તો દર્શિત ધ એપીડેમીક ડિસીઝ એક્ટ-1897ના જાહેરનામાની જોગવાઇ મુજબ કલેક્ટરોને કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે. જોકે મંગળવારના રાજ્યભરના 33 જિલ્લાના આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખોની બેઠક મળી હતી હડતાલી આ કર્મચારીઓ ઉપર એક્શન લેવાને બદલે તેમની કામગીરીને ધ્યાનમાં રાખીને પ્રશ્નો ઉકેલવાની માંગણી કરી છે. હકુમતના પાવરથી કર્મચારીઓ ડરશે નહી તેમ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગરના પ્રમુખ કિરીટસિંહ ચાવડા વતી મહાસંઘના હોદ્દેદારોએ જણાવ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x