એપ્રિલ સુધીમાં ગુજરાતમાં 1થી 12નું ઓફલાઇન શિક્ષણ શરૂ કરી જૂનમાં પરીક્ષા લેવાની વિચારણા, ઉનાળુ વેકેશન ઘટાડી દેવાય એવી શક્યતા
કોરોનાને કારણે ગુજરાતમાં બંધ થયેલું ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા માટે શિક્ષણ વિભાગ સક્રિય બન્યો છે, જેમાં ધોરણ 10 અને 12ની શરૂઆત કર્યા બાદ ફેબ્રુઆરીમાં ધોરણ 9 અને 11, એ પછી માર્ચ મહિનામાં ધોરણ 6થી 8ની સ્કૂલો અને અંતમાં એપ્રિલથી ધોરણ 1થી 5ની પ્રાથમિક શિક્ષણ માટેની સ્કૂલો શરૂ કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છે, જેમાં સૌથી મહત્ત્વનું વિચારણામાં છે કે આ વર્ષે લાંબું ઉનાળુ વેકેશન રાખવું નહીં, માત્ર એક કે બે અઠવાડિયાં પૂરતું જ વેકેશન રાખવું, સાથે સાથે મે મહિનામાં ધોરણ 10 અને 12ની પરીક્ષા લીધા બાદ ધોરણ 1થી 8 અને 9 તથા 11ની જૂન મહિનામાં પરીક્ષાઓ યોજાય, એ મામલે શિક્ષણ વિભાગ ખાસ એકેડેમિક કેલેન્ડર તૈયાર કરી રહ્યો હોવાનું જાણવા મળે છે
તબક્કાવાર સંપૂર્ણ શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવે એવી શક્યતા
ગુજરાતમાં કોરોનાના ઘટતા જતા કેસ બાદ ગત 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની શાળાઓ શરૂ કરવામાં આવી છે, જેમાં કોઈ મોટું વિઘ્ન ના આવતા અને અત્યારસુધીમાં કોવિડની ગાઈડલાઈન્સ મુજબ, શૈક્ષણિક કાર્ય ચાલી રહ્યું છે, એને ધ્યાનમાં રાખીને હવે શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગ સાથે સંકલન રાખીને તબક્કાવાર સંપૂર્ણ શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવે એવી શક્યતા છે
સોમવારથી ધો.9 અને ધો.11ની સ્કૂલો શરૂ થાય એવી શક્યતા
ફેબ્રુઆરી મહિનાના આરંભથી ધોરણ 9 અને 11 માટે શાળાઓ શરૂ કરવાની તૈયારી કરી લીધી છે. 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ના વર્ગખંડો શરૂ કર્યા બાદ જે શહેર કે ગામમાં કોવિડ-19ના કેસોનું પ્રમાણ ઊંચું રહે છે ત્યાં વિદ્યાર્થી અને શિક્ષકોમાં ચેપનો ફેલાવો થયો છે કે કેમ? એની સમીક્ષા સાથેનો રિપોર્ટ જે-તે જિલ્લા શિક્ષણાધિકારી પાસેથી મગાવવામાં આવી રહ્યો છે, જેના આધારે 25 જાન્યુઆરીને સોમવાર અથવા તો 1લી ફ્રેબુઆરી ને સોમવારથી 9 અને 11 માટે સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.
એપ્રિલથી ધોરણ 1થી 5ની પ્રાથમિક શિક્ષણ માટે સ્કૂલો શરૂ થઈ શકે
કોરોનાને કારણે આ વર્ષે બોર્ડની પરીક્ષાઓ મે મહિનામાં યોજાવવાની છે ત્યારે શિક્ષણ વિભાગ ફેબ્રુઆરીમાં ધોરણ 9 અને 11 બાદ માર્ચ મહિનામાં ધોરણ 6થી 8ના ઉચ્ચ પ્રાથમિક અને એપ્રિલથી ધોરણ 1થી 5ની પ્રાથમિક શિક્ષણ માટે સ્કૂલો શરૂ કરવામાં આવી શકે છે, આથી આ વર્ષે લાંબું ઉનાળુ વેકેશન નહિ પડે. બોર્ડ સિવાયનાં ધોરણો માટે જૂન મહિનામાં પરીક્ષાઓ યોજાશે.